Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તેં મારો વિશ્વાસ તોડ્યો છે અને મને છેતરી છે

તેં મારો વિશ્વાસ તોડ્યો છે અને મને છેતરી છે

Published : 23 June, 2023 08:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરસ્વતી આવો મેસેજ કરીને હત્યાના એક સપ્તાહ પહેલાં મનોજ સાને સાથેના સંબંધોનો અંત લાવવા માગતી હોવાનો વૉટ‍્સઍપની ચૅટમાં થયો ખુલાસો : મીરા રોડ મર્ડરકેસના આરોપીને છઠ્ઠી જુલાઈ સુધી જેલ-કસ્ટડી

મનોજ સાને, સરસ્વતી વૈદ્ય

મનોજ સાને, સરસ્વતી વૈદ્ય


મીરા રોડના ગીતાનગર ફેઝ ૭ના આકાશદીપ બિલ્ડિંગમાં ભાડે રહેતા ૫૬ વર્ષના મનોજ સાનેએ તેની ૩૨ વર્ષની લિવ-ઇન પાર્ટનર સરસ્વતી વૈદ્યની હત્યા કરીને તેના મૃતદેહનો નિકાલ કરવા એના ટુકડા કરીને કુકરમાં બાફ્યા હતા. આ ઘટનામાં પોલીસને મરનારનો એક વૉટ્સઍપ મેસેજ મળ્યો છે. એમાં લખ્યું હતું કે તેં મારો વિશ્વાસ તોડ્યો છે તેમ જ મને છેતરી છે એટલે આપણા સંબંધોનો અહીં અંત આવે છે. આ મેસેજ હત્યાના એક સપ્તાહ પહેલાંનો છે. પોલીસને દંપતીના ઘરેથી ચાર મોબાઇલ ફોન મળ્યા હતા. એના ચૅટ રેકૉર્ડ્સ ચકાસવામાં આવતાં આ વિગતો મળી હતી.


એ કરપીણ હત્યાના આરોપીની કસ્ટડીની મુદત પૂરી થતાં નયાનગર પોલીસે ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ એમ. ડી. નનાવરેની કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને હવે ૬ જુલાઈ સુધી જેલ-કસ્ટડીમાં મોકલી આપ્યો છે.



આરોપીએ ૪ જૂને સરસ્વતીની હત્યા કરીને તેના મૃતદેહનો નિકાલ કરવા એના ટુકડા કર્યા હતા. એની ભયંકર દુર્ગંધ આવવા માંડતાં આખરે પાડોશીઓએ પોલીસને ૭ જૂને જાણ કરી હતી અને પોલીસે આવીને તપાસ કરતાં સરસ્વતીના મૃતદેહના ટુકડા તેના ફ્લૅટમાંથી મળી આવ્યા હતા. આરોપીએ સરસ્વતી સાથે મંદિરમાં લગ્ન કર્યાં હતાં, પણ એ રજિસ્ટર કરાવ્યાં નહોતાં. સરસ્વતી ઔરંગાબાદ જિલ્લાની રહેવાસી હતી. નાનપણમાં જ તેની માતાનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ તે આશ્રમશાળામાં રહીને મોટી થઈ હતી અને ત્યાં જ દસમા ધોરણ સુધી ભણી હતી. ૧૮ વર્ષની થયા બાદ તે નવી મુંબઈ એક સંબંધીને ત્યાં રહેવા આવી હતી, જ્યાં તેની ઓળખાણ આરોપી સાથે થઈ હતી. આરોપી બોરીવલીના બાભઈમાં પરિવાર સાથે રહેતો હતો અને રૅશન શૉપમાં નોકરી કરતો હતો. જોકે સરસ્વતી સાથે તેણે અલગથી રહેવાનું ચાલુ કર્યું હતું અને બાભઈનો તેનો ફ્લૅટ ભાડે આપ્યો હતો જેમાંથી તેને દર મહિને ૪૦,૦૦૦ રૂપિયાની ભાડાની આવક થતી હતી. આરોપી ઘણીબધી ​​ડેટિંગ સાઇટ પર અકાઉન્ટ ધરાવતો હોવાની જાણ સરસ્વતીને થતાં તેમની વચ્ચે ઝઘડા થવા માંડ્યા હતા અને ત્યાર બાદ આરોપીએ તેની હત્યા કરી હતી. તપાસ દરમિયાન એવું પણ જણાઈ આવ્યું છે કે આરોપી ગુપ્ત રોગની અસાધ્ય બીમારીથી પીડાતો હતો. મરનારને પણ આ વાતની જાણ હતી.


આરોપીના ​કૅરૅક્ટર પર શંકા
એક પોલીસ ઑફિસરે કહ્યું હતું કે ‘૨૬-૨૭ મે દરમ્યાન સરસ્વતીએ આરોપીને ઘણા મેસેજ મોકલ્યા હતા, જેમાં તેમના સંબંધોનો અંત લાવવાની વાત હતી. આ ચૅટ મહત્ત્વની છે, કારણ કે એનાથી એ વાત પુરવાર થાય છે કે આરોપીનું ચારિત્ર ખરાબ હતું જેને કારણે યુવતી તેની સાથે રહેવા માગતી નહોતી તેમ જ તેમના સંબંધોનો અંત લાવવા માગતી હતી.

હત્યા પુરવાર કરવામાં મુશ્કેલી
મરનાર યુવતીની હત્યા થઈ છે એ પુરવાર કરવા માટે જરૂરી તમામ પુરાવાઓ ભેગા કરવામાં નયાનગર પોલીસને મુશ્કેલી થઈ રહી છે. પોલીસને એવી ખબર પડી છે કે પેસ્ટિસાઇડ ધરાવતી છાશ યુવતીને આપવામાં આવી હતી. તેમણે મીરા રોડના દુકાનદારનું સ્ટેટમેન્ટ પણ લીધું છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે શરીરના જે ભાગ મળ્યા છે એમને બાફવામાં આવ્યા હતા. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં એની અસર થશે કે નહીં એની ખબર નથી. રિપોર્ટમાં યુવતીનું મૃત્યુ ઝેર આપવાને કારણે કે અન્ય કારણે થયું હતું એ પણ હજી સ્પષ્ટ થયુ નથી. 


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2023 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK