આવી છે મીરા-ભાઈંદર સુધરાઈની સ્કૂલ : અહીં પહેલાથી સાતમા ધોરણમાં કુલ ૯૨ વિદ્યાર્થીઓ છે અને બે ટીચર છે
મીરા-ભાઈંદર સુધરાઈની સ્કૂલમાં એક જ રૂમમાં સાત ક્લાસ ચલાવવામાં આવે છે.
મુંબઈ : મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની એક હિન્દી સ્કૂલની બે રૂમમાં પહેલાથી સાતમા સુધીના વર્ગો ચાલે છે અને અહીં વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર બે જ શિક્ષકો છે. એમાંથી પણ એક શિક્ષક વચ્ચે-વચ્ચે વિભાગીય કામથી બહાર હોય છે અથવા રજા પર હોય છે. જોકે અત્યારે તો આખી સ્કૂલના સાત વર્ગ એક જ રૂમમાં ચલાવવામાં આવી રહ્યા છે. મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને ઉર્દૂ માધ્યમની કુલ ૩૬ સ્કૂલ છે. એમાંથી ભાઈંદર-ઈસ્ટમાં આવેલી બંદરવાડી વિદ્યાલય સ્કૂલમાં સાતમા ધોરણ સુધીનું શિક્ષણ હિન્દી, મરાઠી અને ગુજરાતી માધ્યમનું છે.
હિન્દી માધ્યમના પહેલાથી સાતમા ધોરણ સુધીના વર્ગોમાં કુલ ૯૨ બાળકો છે અને તેમને ભણાવવા માટે માત્ર બે જ શિક્ષકો છે. બન્ને શિક્ષકો જ વિદ્યાર્થીઓને તમામ વિષયો ભણાવે છે. શિક્ષકોની અછતને કારણે પહેલાથી ચોથા સુધી (ચાર વર્ગો) એક રૂમમાં અને પાંચથી સાત (૩ વર્ગો) બીજી રૂમમાં ચલાવવામાં આવે છે. આ સ્કૂલના બિલ્ડિંગમાં સાત રૂમને બદલે માત્ર ચાર રૂમ જ રાખવામાં આવ્યા છે અને એમાંથી એક શિક્ષક કાર્યાલય છે.
ADVERTISEMENT
ભૂતપૂર્વ સ્થાનિક કૉર્પોરેટર મદનસિંહે આ વિશે જણાવ્યું હતું કે ‘શિક્ષકો જ નથી ત્યારે સેમી-અંગ્રેજી શિક્ષણ, ડિજિટલ શિક્ષણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની કલ્પના, વાસ્તવિકતા અને દાવાઓ કાગળ પર, ખોટા અને પોકળ છે. દેશના ભવિષ્ય સાથે મજાક કરવામાં આવી રહી છે. આ રીતે ભણતાં બાળકો ડૉક્ટર-એન્જિનિયર કે આઇપીએસ બની શકશે? મ્યુનિસિપલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાનું આ પણ એક કારણ છે. એથી મેં મહાનગરપાલિકા પ્રશાસન પાસે તાત્કાલિક અહીં વધારાના શિક્ષકોની નિમણૂક કરવાની માગણી કરી છે. મરાઠી અને ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં પણ આ જ સ્થિતિ જોવા મળે છે.’
ટૂંક સમયમાં જ અમે સાતેય ક્લાસ અલગ-અલગ રૂમમાં શરૂ કરીશું
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના શિક્ષણ અધિકારી સંજય દોંદેએ આ વિશે જણાવ્યું હતું કે ‘શિક્ષકોની અછત હોવાથી હાલમાં થોડું ઍડ્જસ્ટ કરીને કામ કરવું પડી રહ્યું છે. ૩૬ નવા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. જે સ્કૂલોમાં વધુ બાળકો છે ત્યાં શિક્ષકો વધારવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ સ્કૂલમાં પણ વધુ શિક્ષકો ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સાતે વર્ગો અલગ-અલગ રૂમમાં શરૂ કરવામાં આવશે.’