મીરા-ભાઈંદરને MH-58 નંબર આપવામાં આવ્યો છે. આ સાથે જ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં RTOની સંખ્યા ૧૧ થઈ છે.
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડ અને ભાઈંદરમાં વાહનોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી અહીં થાણેને બદલે વાહનોનું રજિસ્ટ્રેશન કરવા માટે સ્વતંત્ર રીજનલ ટ્રાન્સપોર્ટ (RTO) ઑફિસ કરવાની માગણી કરવામાં આવી રહી હતી એને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. મીરા-ભાઈંદરને MH-58 નંબર આપવામાં આવ્યો છે. આ સાથે જ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં RTOની સંખ્યા ૧૧ થઈ છે.
મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આપેલી માહિતી મુજબ મીરા-ભાઈંદરમાં વાહનોનું રજિસ્ટ્રેશન કરવા માટે ભાઈંદર-વેસ્ટમાં ઉત્તન વિસ્તારમાં RTO કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ માટે સરકારી જમીન ફાળવવામાં આવી છે. કામકાજ શરૂ કરવા માટેનો ખર્ચ અને જરૂરી સ્ટાફને મંજૂરી આપવામાં આવી છે. આ નવી RTOની શરૂઆત થયા બાદ અહીંના લોકોએ વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવા માટે થાણે નહીં જવું પડે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે મીરા રોડમાં ઘોડબંદર ગામ જવા માટેના રસ્તામાં અત્યારે થાણે RTOની અંતર્ગત ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધી કામકાજ કરવામાં આવે છે, પણ વાહનોનું રજિસ્ટ્રેશન નથી થતું.

