મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોની કુલ કૅપેસિટી ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લીટરની છે
વૈતરણા જળાશય
મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાંનું હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મધ્ય વૈતરણા જળાશય શનિવારે મધરાત બાદ ૨.૪૫ વાગ્યે છલકાઈ ગયું હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના જણાવ્યા અનુસાર એ પછી તળાવના બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવ્યું છે. આમ હવે મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાંથી પાંચ જળાશયો છલકાઈ ગયાં છે. હજી મૉન્સૂન ચાલુ છે એટલે બાકીનાં જળાશયો પણ ભરાઈ જશે એવી શક્યતા છે એટલે આ વર્ષે મુંબઈગરાઓને હવે પાણીકાપની ચિંતામાંથી મુક્તિ મળી શકે એવી શક્યતાઓ સર્જાઈ છે.
મૉન્સૂનની આ સીઝનમાં તુલસી, વિહાર, મોડકસાગર અને તાનસા જળાશયો ગયા મહિને જ ઓવરફ્લો થઈ ગયાં હતાં. હવે મિડલ વૈતરણા પણ ઓવરફ્લો થઈ ગયું છે. જળાશયોના ઉપરવાસમાં થઈ રહેલા સારાએવા વરસાદને કારણે આ પાંચ જળાશયો ભરાઈ ગયાં છે. આજે છલકાયેલા મિડલ વૈતરણા ડૅમની મૅક્સિમમ કૅપેસિટી ૧,૯૩,૫૩૦ મિલ્યન લીટરની છે. પાલઘર જિલ્લાના મોખાડા તાલુકામાં આવેલો મિડલ વૈતરણા ડૅમ ૧૦૨.૪ મીટર ઊંચો અને ૫૬૫ મીટર લાંબો છે. મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોની કુલ કૅપેસિટી ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લીટરની છે. ગઈ કાલે સવારે ૬ વાગ્યે એ બધાનો કુલ સ્ટૉક ૮૯.૧૦ ટકા થઈ ગયો છે.