‘મિડ-ડે’ના અહેવાલના ગણતરીના કલાકોમાં જ દાદર પોલીસે ૧૩ જણના મોબાઇલ જપ્ત કર્યા જેમાંથી અનેક વાર ક્યુઆર કોડ ડાઉનલોડ થયા હતા
ગઈ કાલનો ‘મિડ-ડે’નો અહેવાલ
ગણેશભક્તોનું આસ્થાસ્થાન ગણાતા દાદર પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિનાં દર્શન પણ મુંબઈગરાઓએ બ્લૅકમાં ખરીદેલા ક્યુઆર કોડથી કરવાં પડે છે એવા ‘મિડ-ડે’ના રિપોર્ટની અસર થઈ હતી. દાદર પોલીસે એ રિપોર્ટના આધારે તપાસ કરી હતી અને મંદિર ટ્રસ્ટને એફઆઇઆર દાખલ કરવાનું કહી તપાસ કરીને મંદિરની આસપાસની દુકાનવાળાઓ તથા ત્યાં કામ કરતા ૧૩ જણના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે, કારણ કે એ ફોનમાં દર્શન કરવા ઑનલાઇન બુકિંગ કરીને મેળવાતો ક્યુઆર કોડ વારંવાર ડાઉનલોડ કરાયો હોવાનું જણાઈ આવ્યું હતું.
‘મિડ-ડે’ના રિપોર્ટરે દર્શન કરવા માટે બ્લૅકમાં ક્યુઆર કોડ ખરીદવો પડ્યો એ બદલનો રિપોર્ટ જ્યારે ગુરુવારના અંકમાં છપાયો એની નોંધ દાદરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મૃત્યુંજય હિરેમઠે લીધી હતી. તેમણે પોતાની એક ટીમ સિદ્ધિવિનાયક મંદિર મોકલી હતી. એ ટીમે જ્યારે દુકાનદારો અને મંદિર નજીક કામ કરતા કેટલાક લોકોના મોબાઇલ તપાસ્યા ત્યારે એમાં એ ક્યુઆર કોડ અનેક વાર ડાઉનલોડ કરાયા હોવાનું જણાઈ આવતાં એ મોબાઇલ જપ્ત કર્યા હતા. પોલીસ અધિકારીઓએ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓને મળીને એ સંદર્ભે એફઆઇઆર નોંધાવવાનું કહ્યું હતું અને તેમણે એફઆઇઆર નોંધાવ્યો હતો. દાદર પોલીસ હવે આ બાબતે વધુ તપાસ કરી રહી છે.
ઝોન-ફાઇવના ડીસીપી પ્રણય અશોકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમારી પોલીસ-ટીમે ૧૩ જણના મોબાઇલ જપ્ત કર્યા છે. અમે સિદ્ધિવિનાયક મંદિરના ગેટ પર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ ચકાસી રહ્યા છીએ. એ ફુટેજથી ક્લિયર થઈ જશે કે એ ક્યુઆર કોડનો ઉપયોગ કરીને મંદિરમાં કોણ પ્રવેશ્યું છે. સિદ્ધિવિનાયક મંદિરના સત્તાવાળાઓએ આ સંદર્ભે ફરિયાદ કરતાં અમે આઇપીસીની કલમ ૪૨૦ (છેતરપિંડી) સહિતની અન્ય કલમો હેઠળ એફઆઇઆર નોંધીને તપાસ શરૂ કરી છે. રાજ્ય સરકારે આપેલી મંજૂરી પછી સિદ્ધિવિનાયકનાં દર્શન ખૂલ્યાં છે અને એ માટેનો ક્યુઆર કોડ ફ્રી છે.’
આ પણ વાંચો : મિડ-ડે ટેસ્ટ-ડ્રાઇવ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ
ADVERTISEMENT
શું બન્યું હતું?
કોરોનાને કારણે ગિરદી ન થાય એ માટે મંદિરે દર્શન કરવા માગતા ભક્તો માટે ઑનલાઇન સ્લૉટ બુકિંગની સુવિધા શરૂ કરી હતી, જેમાં રોજના દર કલાકે ૧૦૦૦ લોકોની ગણતરીથી એક દિવસમાં ૧૨,૦૦૦ ભક્તોને દર્શન કરવા મળે. વળી એ દર્શન માટે કોઈ ચાર્જ લેવાતો નહોતો. મંદિરની સાઇટ પર બુકિંગ કરાવતાં જો સ્લૉટ ખાલી હોય તો ક્યુઆર કોડ જનરેટ થતો હતો જે મંદિરના ગેટ પર બતાવવાથી એન્ટ્રી મળે. જોકે અનેક લોકો આ ઑનલાઇન બુકિંગની ફૅસિલિટીથી અજાણ છે અને તેઓ દર્શન કરવા મંદિર પહોંચી જાય છે. જ્યારે ઘણા લોકો એવા હોય છે જેઓ બુકિંગ કરવાની કોશિશ કરે છે, પણ તેમનું આ બ્લૅકમાર્કેટિયરને કારણે બુકિંગ થતું જ નથી. આ બ્લૅકમાર્કેટિયરો અલગ-અલગ ફોનથી એ સ્લૉટના મોટા ભાગનું બુકિંગ કરતા હતા અને એ પછી અન્ય ભક્તોને ૫૦૦થી ૭૦૦ રૂપિયામાં એ ક્યુઆર કોડ બ્લૅકમાં વેચતા હતા.

