ચોમાસાની વિદાય વેળા મેઘરાજા સાંજના સમયે જ ગરજતા હોય છેઃ આજથી બે-ત્રણ દિવસ ગાજવીજ સાથે ઝાપટાંનો વરતારો
પ્રતીકાત્મક તસવીર
મૉન્સૂને હાલ પોરો ખાધો છે અને મુંબઈગરા ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે હવે જે કુદરતી પરિબળો સર્જાઈ રહ્યાં છે એ જોતાં આજથી બે-ત્રણ દિવસ ફરી એક વાર ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડવાની શક્યતા છે. હવામાન ખાતાએ પણ આવનારા દિવસોમાં મુંબઈ સહિત પાલઘર, થાણે, રાયગડ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરી છે તથા પાલઘર અને થાણેમાં બુધવારે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે.
વેગારીઝ ઑફ વેધરના રાજેશ કાપડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ મૉન્સૂનમાં બ્રેક આવ્યો એને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને એના પરિણામ તરીકે આવતી કાલથી બે-ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડે એવી શક્યતા છે. પાછોતરો વરસાદ (મૉન્સૂનનું વિધડ્રૉઅલ) ૨૩-૨૪ સપ્ટેમ્બરથી રાજસ્થાનથી શરૂ થશે અને ત્યાર બાદ મધ્ય પ્રદેશ, ગુજરાત અને પછી મહારાષ્ટ્રમાંથી વરસાદ વિદાય લેશે. એથી મહારાષ્ટ્રમાં ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી મૉન્સૂનનું વિધડ્રૉઅલ શરૂ થશે. નવરાત્રિ પણ ત્યારે જ છે. વિધડ્રૉઅલમાં ખાસ કરીને સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદનાં ભારે ઝાપટાં પડતાં હોય છે. એ ઝાપટાં થોડો વખત એટલે કે કલાક-બે કલાક માટે હોય છે, જોકે એ ધોધમાર વરસાદ નથી હોતો.’