મેં તેમના માટે તબલાં બનાવ્યાં, તેમણે મારી લાઇફ બનાવી દીધી; મને પોતાની ટૉયોટા કૉરોલા કાર તેમણે ગિફ્ટમાં આપી દીધી હતી
પોતાની વર્કશૉપમાં હરિદાસ વ્હટકર.
ઉસ્તાદ ઝાકિર હુસૈન માટે ૧૯૯૮થી તબલાં બનાવનાર હરિદાસ વ્હટકરે ઝાકિર હુસૈનને યાદ કરતાં કહ્યું હતું કે ‘ઉસ્તાદજી તબલાના ટ્યુનિંગને લઈને બહુ જ ચોકસાઈવાળા હતા. મેં તેમનાં માટે તબલાં બનાવ્યાં અને તેમણે મારી લાઇફ બનાવી દીધી.’
ઝાકિર હુસૈનને તબલાં વગાડતાં સાંભળીને તબલાં બનાવનાર કુટુંબના મૂળ સાંગલી પાસેના મીરજના અને માહિમમાં વર્કશૉપ ધરાવતા હરિદાસ વ્હટકર તેમને મળવા ગયા હતા. હરિદાસ તેમને પહેલાં ગુરુ પૂર્ણિમાના દિવસે મળ્યા હતા અને એ પછી બીજા જ દિવસે તે ઝાકિર હુસૈનને મળવા તેમના નેપિયન સી રોડના ઘરે પહોંચી ગયા હતા જ્યાં તેમણે તબલાં અને એની બનાવટ વિશે કલાકો સુધી ચર્ચા કરી હતી. એ પછી તેમની વચ્ચે સંબંધ બંધાયો જે જીવનભર રહ્યો. હરિદાસ વ્હટકરને ઝાકિર હુસૈન કહેતા કે તેમને કેવાં અને ક્યારે તબલાં જોઈએ છે ત્યાર બાદ હરિદાસ તેમને તેમની જરૂરિયાત પ્રમાણેનાં તબલાં બનાવી આપતા.
ADVERTISEMENT
તબલાં બનાવવામાં હવે ઘણી વખત મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, પણ હરિદાસ વ્હટકર હજી પણ પરંપરાગત રીતે હાથેથી જ ચામડાને પૉલિશ કરીને તબલાં બનાવે છે. હરિદાસ જે ચીવટથી અને ઍક્યુરસીથી તબલાં બનાવતા એને બિરદાવતાં ઝાકિર હુસૈન તેને અને અન્યોને પણ કહેતા કે તે તો તબલાનો સ્ટેઇનવે છે. સ્ટેઇનવે આલા દરજ્જાના પિયાનો બનાવતી બ્રૅન્ડ છે. ઝાકિર હુસૈન સાથેની યાદોને વાગોળતાં તેમણે કહ્યું હતું કે ‘ઘણાં વર્ષો પહેલાં ઉસ્તાદજીએ મને કહ્યું હતું કે તારી પાસે જે કોઈ તબલાં લેવા આવે તેમને તું ઝાકિર હુસૈન સમજીને જ ટ્રીટ કર.’
હરિદાસ વ્હટકરે વધુમાં કહ્યું હતું કે તેમણે તેમની ગમતી ટૉયોટા કૉરોલા કાર મને ગિફ્ટમાં આપી દીધી હતી.