સુરત અને ગુજરાતનાં ગામોમાં જનજાગૃતિ કર્યા બાદ હવે મુંબઈમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આની પહેલાં બોટાદ અને અમરેલીમાં હરિભક્તો દ્વારા પણ એક બેઠક થઈ હતી તે તસવીર
સ્વામીનારાયણના વડતાલ સંપ્રદાયમાં વિવાદાસ્પદ ૫૦ જેટલા સાધુઓથી મંદિર, મહિલાઓ અને કુમળાં બાળકોને બચાવવા માટે હરિભક્તોએ ઝુંબેશ શરૂ કરી છે. સુરત અને ગુજરાતનાં ગામોમાં જનજાગૃતિ કર્યા બાદ હવે મુંબઈમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મીરા રોડમાં પૂનમ ગાર્ડન ખાતેના રાધાકૃષ્ણ હૉલમાં સાંજના ૬થી ૯ વાગ્યા દરમ્યાન સભા રાખવામાં આવી છે. શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના મીરા રોડમાં રહેતા અધ્યક્ષ અરજણ પટેલે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતનાં સુરત સહિતનાં શહેરો અને ગામોની જેમ મુંબઈમાં પણ મોટી સંખ્યામાં સ્વામીનારાયણ વડતાલ સંપ્રદાયના હરિભક્તો રહે છે. લંપટ સાધુઓની જાળમાં તેઓ ન આવે એ માટેની માહિતી આપવા માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં મુંબઈમાં રહેતા તમામ હરિભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે.’ ઉલ્લેખનીય છે કે લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી બહાર કાઢવા માટે શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ૩૦૦ હરિભક્તો સુરત ઉપરાંત ગુજરાતનાં ગામોમાં જઈને જનજાગૃતિ લાવવા માટે બેઠકો કરી રહ્યા છે. અત્યાર સુધી તેઓ બોટાદ, વડોદરા, સુરત, આણંદ, નડિયાદ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ વગેરે જિલ્લાનાં ગોમામાં બેઠકો કરી ચૂક્યા છે.