પકડાયેલા ૩ આરોપીમાંથી એક આરોપી રીઢો ડ્રગ પેડલર છે
પ્રતીકાત્મક તસવીર
થાણેની વાગળે એસ્ટેટમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ શનિવારે ડ્રગ્સની લે-વેચ કરતા ત્રણ પેડલરોને ઝડપી લીધા હતા. અસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) નીલેશ સોનાવણેએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે તેમની પાસેથી ૯.૬ લાખ રૂપિયાનું ૨૪૦ ગ્રામ એમડી ડ્રગ મળી આવ્યું હતું. પકડાયેલા ૩ આરોપીમાંથી એક આરોપી રીઢો ડ્રગ પેડલર છે અને ચાર મહિના પહેલાં જ જેલમાંથી છૂટીને બહાર આવ્યો છે.
જ્યારે મુંબઈ પોલીસની એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)ના અધિકારીઓએ ૪ કરોડના એમડી ડ્રગ સાથે આંતરરાજ્ય ડ્રગ તસ્કરી કરતી સિન્ડિકેટના ૩ સભ્યોની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૪.૫ કરોડનું એમડી ડ્રગ પકડાયું હતું. એ સિવાય ૩૬ લાખની રોકડ અને ૭.૮ લાખનું સોનું પણ જપ્ત કરાયું હતું. આરોપીઓ ઇન્ટર સ્ટેટ ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલા છે અને થાણે, ભિવંડી વિસ્તારમાં ડ્રગની સપ્લાય કરે છે. ખબરીએ આપેલી માહિતીના આધારે રવિવારે ભિવંડીમાંથી પીએસ વીર અને રોશન કે.ને ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી બે કિલો એમડી ડ્રગ મળી આવ્યું હતું. તેમની પૂછપરછમાં તેમણે આઇજીએન અન્સારીનું નામ આપ્યું હતું. એથી તેની પણ ધરપકડ કરાઈ હતી. તેની પાસેથી ૧૪૭ ગ્રામ એમડી ડ્રગ, ૩૬ લાખની કૅશ અને ૭.૮ લાખનું સોનું મળી આવ્યું હતું. એ સોનું અને કૅશ ડ્રગના વેપારની જ કમાણી હોવાનું તેણે જણાવતાં એ પણ જપ્ત કરાયાં હતાં. અન્સારી છેલ્લાં પાંચ-છ વર્ષથી ડ્રગની સપ્લાય કરતો હતો. પહેલાં તે નાની સપ્લાય કરતો હતો, પણ વખત જતાં એ વિસ્તારમાં તે પોતે ડ્રગનો મુખ્ય સપ્લાયર બની ગયો હતો.
ADVERTISEMENT
૧૧.૬ લાખના ડ્રગ સાથે નાઇજીરિયન પકડાયો
નવી મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ શનિવારે તળોજાના એક ફ્લૅટમાંથી ૪૫ વર્ષના નાઇજીરિયનને ૧૧૬ ગ્રામ એમડી ડ્રગ સાથે ઝડપી લીધો હતો. તેની પાસે પાસપોર્ટ, વિઝા કશું પણ મળી આવ્યું નહોતું. તેની સામે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.