એમબીએમસી (મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન) ૧૧૫૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે ૫૦૦ કરોડ રૂપિયા બૅન્કો પાસેથી અને ૫૦૦ કરોડ રૂપિયા એમએમઆરડીએ પાસેથી લોન લેવાની છે.
પ્રતીકાત્મક તસવીર
કૂદકે ને ભૂસકે વધી રહેલા મીરા-ભાઈંદરના રોડ સિમેન્ટ-કૉન્ક્રીટના કરવાનો પ્લાન એમબીવીવીએ બનાવ્યો છે. જોકે એમબીએમસી (મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન) ૧૧૫૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે ૫૦૦ કરોડ રૂપિયા બૅન્કો પાસેથી અને ૫૦૦ કરોડ રૂપિયા એમએમઆરડીએ પાસેથી લોન લેવાની છે. બાકીના ૧૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કાઢવા હવે પ્રૉપર્ટી ટૅક્સ ૧૦ ટકા વધારીને એ રકમનો ઉપયોગ આ પ્રોજેક્ટ માટે કરવાનો નિર્ણય લેવાયો છે.
હાલમાં જ આયોજિત થયેલી એમબીએમસીની બેઠકમાં મીરા-ભાઈંદરના રસ્તા સિમેન્ટ-કૉન્ક્રીટના કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે આ પ્રોજેક્ટ માટે નાણાં ઊભાં કરવાની સધ્ધરતા એમબીએમસી પાસે ન હોવાથી ૫૦૦ કરોડની બૅન્ક-લોન અને ૫૦૦ કરોડ એમએમઆરડીએ પાસેથી લોન લેવાનું નક્કી કરાયું છે. બાકીના ૧૫૦ કરોડ રૂપિયા ઊભા કરવા અને ત્યાર બાદ એ લોનના હપ્તા પણ ભરવાના હોવાથી કાયમી આવક ઊભી કરવા એમબીએમસીએ પ્રૉપર્ટી ટૅક્સમાં ૧૦ ટકાનો વધારો કરવાનું નક્કી કર્યું છે, જેથી નાણાં પણ ઊભાં થાય અને લોનની ચુકવણી પણ થાય. જોકે એમબીએમસીના વિરોધ પક્ષે આ બદલ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે ‘છેલ્લાં ૧૦ વર્ષથી એમબીએમસી મીરા-ભાઈંદરના લોકો પાસેથી મળપ્રવાહ સુવિધા આપવાના નામે ટૅક્સ લે છે, પણ હકીકત એ છે કે મીરા-ભાઈંદરના મોટા ભાગના વિસ્તારોમાં હજી સિવરેજ લાઇન નખાઈ જ નથી. કેટલાંક ગામોમાં તો સિવરેજ લાઇન નાખવી શક્ય પણ નથી. એટલે જે રીતે ટૅક્સ લીધા બાદ પણ સુવિધા મળતી નથી તો હવે પ્રૉપર્ટી ટૅક્સમાં સિમેન્ટ-કૉન્ક્રીટના રોડ માટે બોજો નાખવો યોગ્ય નથી.’