પ્રોજેક્ટને રાજ્ય સરકારે મંજૂરી આપ્યા બાદ ઇકો-સેન્સિટિવ ઝોન હોવાથી પર્યાવરણ વિભાગે પણ પરવાનગી આપી
ઘોડબંદર રોડ પાસેથી વહેતી ચેના નદીમાં આકાર લેનારો રિવરફ્રન્ટનો પ્લાન
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની જેમ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની હદમાં ઘોડબંદર રોડ પાસેથી વહેતી ચેના નદી પર ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ ડેવલપ કરવા રાજ્ય સરકારે થોડા સમય પહેલાં મંજૂરી આપી હતી. સંજય ગાંધી નૅશનલ પાર્કના પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રમાંથી આ નદી પસાર થાય છે એટલે આ પ્રોજેક્ટ ઇકો-સેન્સિટિવ ઝોનમાં હોવાથી પર્યાવરણ વિભાગની મંજૂરી મેળવવી જરૂરી હતી, જે મહાનગરપાલિકાને લેખિતમાં મળી ગઈ છે. આથી ટૂંક સમયમાં પ્રોજેક્ટનું કામ શરૂ થઈ જશે અને નજીકના ભવિષ્યમાં અમદાવાદીઓની જેમ મુંબઈગરાઓ પણ મીરા રોડ નજીકની ચેના નદીના રિવરફ્રન્ટની મજા માણી શકશે. ચેના નદીમાં વૉટરફ્રન્ટ ડેવલપ કરવાની સાથે પર્યટનનું કેન્દ્ર પણ વિકસિત કરવાની માગણી શિવસેનાના સ્થાનિક વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે રાજ્ય સરકારમાં કરી હતી. આથી રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે ૫૦ કરોડ રૂપિયાનું ફન્ડ આપવાની જાહેરાત કરીને પ્રોજેક્ટને થોડા સમય પહેલાં મંજૂરી આપી હતી.

