ત્રણ દિવસમાં પ્રદૂષણ પર કાબૂ નહીં લેવામાં આવે તો કાર્યવાહી કરવાનું ફરમાન જાહેર
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની જેમ છેલ્લા કેટલાક સમયમાં મીરા-ભાઈંદરમાં પણ ઍર-પૉલ્યુશનમાં ધરખમ વધારો થયો છે એટલે મીરા-ભાઈંદર મહાનગરપાલિકા પ્રશાસન સફાળું જાગ્યું છે. મોટા ભાગનું પ્રદૂષણ નવા બાંધકામના નિયમોનું પાલન ન કરવાને લીધે થતું હોવાનું જણાયા બાદ ૧૫ ડેવલપરને પ્રદૂષણને કાબૂમાં રાખવાના નિયમનું પાલન કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. એ પછી પણ ડેવલપરો નિયમનો ભંગ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.
મીરા-ભાઈંદરના દરેક વૉર્ડના અધિકારીઓએ નવાં બાંધકામ થતાં હોય એવી જગ્યાએ પ્રદૂષણને રોકવા માટેના નિયમોનું પાલન થાય છે કે નહીં એ જાણવા માટે સર્વેક્ષણ કર્યું હતું. મોટા ભાગના બિલ્ડરો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું જણાયા બાદ ૧૫ ડેવલપરને તાત્કાલિક ઉપાય કરવા માટે કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર સંજય કાટકર અને તેમની ટીમે આ જોડિયા શહેરમાં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે બ્રીધ ઈઝી યોજના અંતર્ગત નિયમાવલિ બનાવી છે. એમાં નવા બાંધકામના સ્થળે ચારે તરફ ૨૫ ફીટ ઊંચાં પતરાં લગાવવા ઉપરાંત માટી અને રેતીનું વહન કરતી ટ્રકને કપડાથી ઢાંકવા સહિતના નિયમનું કડક રીતે પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
મીરા-ભાઈંદરમાં નવાં બાંધકામો ઉપરાંત રેડી મિક્સ કૉન્ક્રીટ (RMC)ના ૧૨ જેટલા પ્લાન્ટ ચાલી રહ્યા છે. અહીં મોટા પ્રમાણમાં ધૂળ ઊડતી હોય છે એને રોકવા માટેનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આદેશનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.