માટુંગાના સીએએ વૉટ્સઍપ પર આવી ચૅટ કરતાં સાઇબર ફ્રૉડમાં સવાબે લાખ રૂપિયા તો ગુમાવ્યા જ, સાથે એની જાણ પત્નીને થતાં ઘરમાં ઝઘડો પણ થયો
પ્રતીકાત્મક તસવીર
માટુંગામાં રહેતા એક ગુજરાતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને વૉટ્સઍપ પર સેક્સ્યુઅલ મેસેજ આવ્યો હતો. એમાં ઇન્ટરેસ્ટ દેખાડીને તેઓ ચૅટમાં આગળ વધ્યા હતા અને પોતાના ન્યુડ ફોટો શૅર કરતાં સામેની વ્યક્તિએ એને વાઇરલ ન કરવા માટે પૈસાની માગણી કરી હતી. ફોટો વાઇરલ ન કરવા માટે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે સવાબે લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ ઉપરાંત ચૅટની માહિતી પત્ની સુધી પહોંચતાં ઘરમાં પણ મોટો વિવાદ થયો હતો. અંતે તેમણે માંટુગા પોલીસ-સ્ટેશનમાં પોતાની સાથે થયેલી ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
માટુંગા-ઈસ્ટમાં આર. પી. મસાની રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રાકેશ શાહ (નામ બદલ્યું છે)એ કરેલી ફરિયાદ અનુસાર ૨૯ સપ્ટેમ્બરે તેઓ સાંજે ઘરે હતા ત્યારે વૉટ્સઍપ પર એક મેસેજ આવ્યો હતો. એમાં સેક્સ્યુઅલ ચૅટ માટે ઇચ્છા હોય તો હાય લખીને મોકલવા માટે કહેવામાં આવ્યું હતું. એમાં ઇન્ટરેસ્ટ ધરાવીને તેઓ ચૅટમાં આગળ વધ્યા હતા. ત્યાર બાદ સામેવાળી મહિલાએ પોતાનો ન્યુડ ફોટો શૅર કરતાં રાકેશે પણ પોતાનો ન્યુડ ફોટો શૅર કર્યો હતો. ચૅટમાં આગળ વધતાં સામેવાળી મહિલાએ અંધેરીમાં મળીને સેક્સ કરવા માટેની ઑફર રાકેશને આપી હતી. બીજા દિવસે તેને મહિલાના નંબરથી મેસેજ આવ્યો હતો. એમાં મહિલાએ તેની સાથે કરેલી ચૅટના સ્ક્રીનશૉટ મોકલીને પૈસાની માગણી કરી હતી. એટલું જ નહીં, તેની પત્નીને નૉર્મલ મેસેજ કરીને એનો સ્ક્રીનશૉટ પણ મોકલ્યો હતો અને કહ્યું હતું કે તારી બધી ચૅટ અને સ્ક્રીનશૉટ તારી પત્નીને મોકલી આપીશ. આવી ધમકી આપીને તેણે રાકેશ પાસેથી સવાબે લાખ રૂપિયા પડાવ્યા હતા. એ પછી પણ તેણે વધુ પૈસાની માગણી કરી હતી અને રાકેશની પત્નીને મેસેજ કર્યો હતો. એને કારણે રાકેશના ઘરમાં મોટો વિવાદ થયો હતો. પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં અંતે રાકેશે માટુંગા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
માટુંગા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે. છેતરપિંડી કરનારા લોકોએ ફરિયાદી યુવાનની અમુક ચૅટ તેની પત્ની સાથે શૅર કરી હતી, જેને કારણે તેમના ઘરમાં મોટો વિવાદ થયો હતો. અંતે ફરિયાદીએ અમારી પાસે આવીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જે બૅન્ક-અકાઉન્ટમાં પૈસા મોકલ્યા હતા એની માહિતી કાઢવામાં આવી રહી છે.’