સ્થાનિક પ્રશાસન અને પોલીસ સાથેની બેઠકમાં પર્યટકોને લૂંટનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સહિતની તમામ માગણીઓ સ્વીકારી લેવામાં આવી
માથેરાનની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે ગઈ કાલે બેઠક મળી હતી.
મુંબઈગરાઓના ફેવરિટ હિલ સ્ટેશન માથેરાનમાં કેટલાક ઘોડાવાળા અને એજન્ટો પર્યટકોને લૂંટીને માથેરાનની બદનામી કરતા હોવાથી માથેરાનના સ્થાનિક રહેવાસીઓએ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગણી સાથે મંગળવારે માથેરાન બંધ કરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક પ્રશાસન, વિધાનસભ્ય, પોલીસ અધિકારી અને માથેરાન નગરપરિષદના પદાધિકારીઓ સાથે ગઈ કાલે રહેવાસીઓએ બેઠક કરી હતી જેમાં માથેરાનને બદનામ કરનારાઓ અને પર્યટકોને લૂંટનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી સ્વીકારી લેવામાં આવી હતી. આથી માથેરાનનો બેમુદત બંધ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.



