એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે ૩.૦૪ લાખ મુસાફરોને સર્વિસ આપી, જ્યારે પૅસેન્જર અને પાર્સલની આવક ૨.૨૪ કરોડ રૂપિયા નોંધાઈ : સેન્ટ્રલ રેલવેના સૌથી પ્રિય હૉલિડે સ્થળ તરીકે માથેરાન ઊભરી આવ્યું
માથેરાનની ટૉય ટ્રેનને પ્રવાસીઓનો વધુ ને વધુ પ્રતિસાદ મળી રહ્યો છે
મુંબઈ, પુણે અને આસપાસના વિસ્તારોના લોકો માટે માથેરાન સૌથી નજીકનું અને લોકપ્રિય ટૂરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે. એની નેરલ-માથેરાન ટૉય ટ્રેન ૧૦૦ વર્ષથી વધુ જૂની છે. ૨૦૧૯માં ભારે વરસાદને કારણે ધોવાઈ ગયેલા નેરલ-માથેરાન ટ્રૅકને પુનઃસ્થાપિત કરવા માટે સેન્ટ્રલ રેલવેએ ખૂબ પ્રયાસો હાથ ધર્યા હતા. નેરલથી અમન લૉજ સુધીના પહાડોને સમેટી લેતી નૅરોગેજ લાઇન આખરે તૈયાર થઈ ગઈ અને ૨૦૨૨ની ૨૨ ઑક્ટોબરે આ લાઇન પર સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી. અમન લૉજ અને માથેરાન વચ્ચેની શટલ સર્વિસ પહેલેથી જ પ્રવાસીઓ અને પાર્સલની સેવામાં હતી. ત્યાર બાદ પૅસેન્જરોએ ટૉય ટ્રેનની સર્વિસનું ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું.
સેન્ટ્રલ રેલવે આ સ્થળને એક મુખ્ય પર્યટન સ્થળ તરીકે જ નહીં, એક એવા સ્થળ તરીકે પણ લોકપ્રિય બનાવી રહી છે જે વ્યક્તિને પ્રકૃતિની નજીક લઈ જાય છે. ટૉય ટ્રેન યાદગાર સવારી કરવાની સાથે કુદરતને નજીકથી જોવાનો રોમાંચ પણ લોકોને પૂરો પાડે છે. કુલ ૩,૦૪,૧૯૫ મુસાફરોએ માથેરાન જઈને પર્યટનનો આનંદ લીધો હતો. એમાં ૨૦૨૨ના એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન અમન લૉજ અને માથેરાન વચ્ચે ૨,૭૬,૯૭૯ મુસાફરોનો અને ૨૦૨૨ના ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન નેરલ અને માથેરાન વચ્ચે ૨૭,૨૧૬ મુસાફરોનો સમાવેશ થાય છે. એ દરમિયાન થયેલી કુલ આવક ૨,૨૦,૯૦,૦૨૦ રૂપિયા છે જેમાં એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૨ના સમયગાળા માટે અમન લૉજ અને માથેરાન વચ્ચે ૧,૮૬,૬૩,૩૪૮ રૂપિયા અને નેરલ અને માથેરાન વચ્ચે ૩૪,૨૬,૬૭૨ રૂપિયા ઑક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૨ના સમયગાળાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ વિભાગ પર પાર્સલનાં કુલ ૧૦,૯૮૩ પૅકેજનું પરિવહન કરવામાં આવ્યું છે, જેમાં ૩,૦૪,૩૨૫ રૂપિયાની આવક નોંધાઈ છે. આમાં એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન અમન લોજ અને માથેરાન વચ્ચેનાં ૭,૬૧૮ પૅકેજનો સમાવેશ થાય છે, જેમાં ઑક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા માટે ૨,૭૯,૮૨૩ રૂપિયાની આવક અને નેરલ અને માથેરાન વચ્ચે ૩,૩૬૫ પૅકેજથી ૨૪,૫૦૨ રૂપિયાની આવક નોંધાઈ હતી.