ગઈ કાલે શહેરમાં બે જગ્યાએ ભીષણ આગ ફાટી નીકળી હતીઃ પહેલી સવારે અગિયાર વાગ્યે ઓશિવરામાં આવેલી ફર્નિચર માર્કેટમાં લાગી હતી, જ્યારે બીજી મલાડ-ઈસ્ટના અપ્પાપાડામાં આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગી હતી. નવાઈની વાત એ છે કે થોડા સમય પહેલાં આ બન્ને જગ્યાએ આગ લાગી હતી
તસવીરો : સમીર માર્કન્ડે અને અનુરાગ અહિરે
મુંબઈમાં પ્રખ્યાત જોગેશ્વરી-વેસ્ટના ઓશિવરાની ફર્નિચર માર્કેટમાં ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફર્નિચર માર્કેટમાં આગ લાગી હોવાથી કરોડો રૂપિયાનું જૂનું તેમ જ નવું ફર્નિચર બળીને ખાખ થઈ જતાં અનેક દુકાનદારોએ જિંદગીભરની કમાણી ગુમાવી છે. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે આગમાં કોઈ જાનહાનિ કે કોઈ ઘાયલ થવાના અહેવાલ નથી. આ આગમાં ૨૦૦ જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.
ઓશિવરાના રિલીફ રોડ પર આવેલી ફર્નિચરની આ માર્કેટ એ માટે પ્રખ્યાત છે કે અહીં જૂના જમાનાનું સાગનાં લાકડાં અને અન્ય ટકાઉ લાકડાં પર કોતરણી કરેલું જાજરમાન ફર્નિચર મળે છે. સાથે જ કોતરણી કરેલા નવા ફર્નિચરની પણ અહીં ઘણી દુકાનો છે. એવું કહેવાય છે કે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને ત્યાર બાદ આગ ફાટી નીકળી હતી. જોકે આગ લાગ્યાનું સાચું કારણ ફાયરબ્રિગેડની તપાસ બાદ જ જાણી શકાશે.
ADVERTISEMENT
બીએમસીએ જણાવ્યા અનુસાર આગ લાગ્યાની જાણ થતાં દુકાનદારો, તેમના કામદારો દોડ્યા હતા અને જેટલું ફર્નિચર બચી શકે એટલું બચાવવા તેઓએ પ્રયાસ કર્યો હતો. સૂકા લાકડા ઉપરાંત એને પૉલિશ કરવા વાપરવામાં આવતા વાર્નિશનો જથ્થો મોટી દુકાનોમાં હોય જ છે. એ વાર્નિશે પણ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. એને લીધે આગ ટૂંક સમયમાં અનેક ગાળા અને દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા દૂરથી નજરે પડતા હતા.
ફાયરબ્રિગેડના ફાયર-એન્જિન ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. જોકે આગનો વ્યાપ જોતાં ૧૦ ફાયર-એન્જિન, બે જમ્બો ટૅન્કર અને અન્ય રેસ્ક્યુ વેહિકલ મોકલવામાં આવ્યાં હતાં. કલાકોની જહેમત બાદ સાંજે ૪.૩૪ વાગ્યે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આખરે ૫.૩૦ વાગ્યે આગ ઓલવી દેવાઈ હતી. જોકે ત્યાર બાદ કુલિંગ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું. આગ ઓલવાય એ પહેલાં કરોડો રૂપિયાનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું.