થાણેના મારવાડી સમાજના આગેવાનોએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના બંગલાની બહાર મોરચો કાઢીને કરી માગણી
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘરની બહાર મારવાડી જૈન સમાજના આગેવાનો અને થાણે સ્ટેશનની બહાર CCTV કૅમેરાના ફુટેજમાં દેખાયેલી પૂજા પુરોહિત.
થાણેના ચરઈ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની પૂજા પુરોહિત સોમવારે બપોરે સ્કૂલના ગેટની બહારથી ગુમ થઈ હતી. ઘટનાને ગંભીરતાથી લેતાં થાણે નગર પોલીસે તાત્કાલિક અપહરણની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી રોષે ભરાયેલા થાણેના મારવાડી જૈન સમાજના આગેવાનોએ ગઈ કાલે સવારે લુઇસ વાડી ખાતેના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘરની બહાર મોરચો કાઢી તેમની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક કિશોરીને શોધવામાં આવે એવી માગણી કરી હતી. જો ૪૮ કલાકમાં કિશોરીને શોધવામાં નહીં આવે તો થાણેમાં ઉગ્ર આંદોલન જોવા મળશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી. મારી દીકરીને બહેકાવવામાં આવી હોય એવું લાગી રહ્યું છે એમ જણાવતાં પૂજાના પિતા હર્ષ પુરોહિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે મારી મોટી દીકરી પૂજા અને નાની દીકરી હેમાનીને બપોરે એક વાગ્યાની આસપાસ થાણે સ્ટેશન નજીક આવેલી તેમની સ્કૂલ ગૌતમ વિદ્યાલયના ગેટ નજીક મૂકી હું ત્યાંથી મારી દુકાને ચાલ્યો ગયો હતો. દરમ્યાન ચાર વાગ્યે હેમાની મારી દુકાન પર આવી હતી અને પૂજા સ્કૂલમાં નહોતી આવી એમ જાણ કરી હતી. મેં સ્કૂલમાં જઈને વધુ તપાસ કરી ત્યારે સોમવારે તે સ્કૂલમાં નહોતી આવી હોવાનું જાણવા મળ્યું હતું. સ્કૂલના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ કરતાં પૂજા સ્કૂલના ગેટની અંદર આવી થોડી વાર પછી પોતે જ બહાર નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. એટલે તાત્કાલિક મેં આ ઘટનાની ફરિયાદ થાણે નગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. મારી દીકરીને કોઈકે બહેકાવી હોય એવું મને લાગી રહ્યું છે. પોલીસને મારી એક જ વિનંતી છે કે તેઓ તાત્કાલિક મારી દીકરીને શોધી આપે.’
શિંદેસાહેબને મળવામાં માત્ર મારવાડી સમાજ નહીં, થાણેનો તમામ હિન્દુ સમાજ હતો એમ જણાવતાં પુરોહિત સમાજના સભ્ય રાજેશ પુરોહિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂજાને ગુમ થયાને આશરે ૪૮ કલાકથી વધુ થઈ ગયા હોવા છતાં પોલીસ પાસે તેનો કોઈ પત્તો નથી. પોલીસ પોતાનું કામ ઝડપથી કરે એવી વિનંતી લઈને અમે એકનાથ શિંદેસાહેબને મળવા ગયા હતા. તેમણે અમને આશ્વાસન આપ્યું છે કે આ મામલે તેઓ ફૉલોઅપ લઈને પૂજાને શોધવામાં અમારી મદદ કરશે. જો પોલીસ વિભાગ દ્વારા આવતા ૪૮ કલાકમાં પૂજાને શોધવામાં નહીં આવે તો અમારો તમામ સમાજ થાણેના મારવાડી સમાજ સાથે ભેગો થઈ ઉગ્ર આંદોલન કરશે.’
ADVERTISEMENT
પૂજાનું છેલ્લું લોકેશન અમને પનવેલ સ્ટેશન મળ્યું છે, આગળ અમે સ્થાનિક પોલીસની મદદ લઈને તપાસ કરી રહ્યા છીએ એમ જણાવતાં થાણે નગર પોલીસ-સ્ટેશનનાં પોલીસ-ઇન્સ્પેક્ટર સપના તાટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂજાને તેના પિતા સ્કૂલમાં મૂકવા આવ્યા હતા. જોકે તેના પિતાના ગયા બાદ પૂજા સ્કૂલની બહાર નીકળતી CCTV કૅમેરાનાં ફુટેજમાં જોવા મળી છે. તેની સ્કૂલથી થાણે સ્ટેશન અને થાણે સ્ટેશનથી પનવેલ સ્ટેશન સુધીના લગભગ ૧૫૦ ફુટેજ અમે જોયાં, જેમાં પૂજા સ્કૂલ-ડ્રેસમાં એકલી જતી જોવા મળે છે. એનું છેલ્લું લોકેશન પનવેલ જોવા મળ્યું છે એટલે ત્યાંની સ્થાનિક પોલીસ સાથે મળી વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

