ઇલેક્શન કમિશન દ્વારા તમારું નામ મતદારયાદીમાં છે કે નહીં એ ચકાસવાની સતત સલાહ આપવામાં આવી રહી છે
સાવની રવીન્દ્ર
ઇલેક્શન કમિશન દ્વારા મતદાન વધારવા માટે પ્રયાસ કરવામાં આવતા હોવા છતાં મતદારયાદીમાં ગોટાળા જોવા મળે છે. પુણે લોકસભા બેઠક માટે ગઈ કાલે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે મરાઠી સિંગર સાવની રવીન્દ્ર મત આપવા મતદાનકેન્દ્ર પહોંચી હતી, પરંતુ તેનું નામ જ યાદીમાં ન હોવાથી તે મત નહોતી આપી શકી. તેણે સોશ્યલ મીડિયામાં આ વિશે પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ઇલેક્શન કમિશન દ્વારા તમારું નામ મતદારયાદીમાં છે કે નહીં એ ચકાસવાની સતત સલાહ આપવામાં આવી રહી છે. આથી છેલ્લા કેટલાક દિવસથી મેં ઑનલાઇન પોર્ટલ સહિત તમામ ઍપમાં મારું નામ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં સફળતા નહોતી મળી. મતદાનકેન્દ્રમાં મતદારયાદીમાં નામ મળવાની આશાથી હું ગઈ હતી. મારા ઘરની બધી વ્યક્તિનાં નામ છે, પણ મારું જ નામ ન મળ્યું. લોકતંત્ર માટે આ સારું ન કહેવાય. મત ન આપી શકવાનું ખૂબ દુઃખ છે.’