મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે, જાલનામાં મરાઠા પ્રદર્શનકારીઓ (Maratha Reservation Protest) પર લાઠીચાર્જની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને આ ઘટના બાદ તેમણે જાલનાના પોલીસ અધિક્ષકને ફરજિયાત રજા પર મોકલવાના નિર્દેશ આપ્યા છે
ફાઇલ તસવીર
મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે, જાલનામાં મરાઠા પ્રદર્શનકારીઓ (Maratha Reservation Protest) પર લાઠીચાર્જની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને આ ઘટના બાદ તેમણે જાલનાના પોલીસ અધિક્ષકને ફરજિયાત રજા પર મોકલવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે તેમ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું.
જાલનામાં મરાઠા આંદોલન કરતાં પ્રદર્શનકારીઓ (Maratha Reservation Protest) પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જનો ઉલ્લેખ કરતા, મુખ્યપ્રધાને આજે બુલઢાણામાં આયોજિત `શાસન આયા દ્વારી` કાર્યક્રમમાં કાર્યવાહીની જાહેરાત કરી હતી. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી ન થાય તે માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જિલ્લાના પોલીસ અધિક્ષકોને ફરજિયાત રજા પર મોકલવા સૂચના આપવામાં આવી છે અને અધિક પોલીસ અધિક્ષક અને નાયબ અધિક્ષકોને જિલ્લા બહાર બદલી કરવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) સંજય સક્સેના કરશે, તપાસ રિપોર્ટ આવ્યા બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર કોઈને પણ છોડશે નહીં, જરૂર પડશે તો ન્યાયિક તપાસ પણ હાથ ધરવામાં આવશે, એમ જણાવવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાને એકનાથ શિંદે (CM Eknath Shinde)એ કહ્યું કે આ ઘટનાના ત્રણ દિવસ પહેલા તેમણે જાલનામાં આંદોલન કરી રહેલા મનોજ જરાન્ડે પાટીલ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, “મેં તેમને ઉપવાસ પૂરો કરવાની અપીલ કરી હતી, જેથી કરીને તેનો જીવ જોખમમાં ન આવે. સરકારી સ્તરે અધિકારીઓ તેમની અપેક્ષા મુજબના નિર્ણયો લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.”
આ પ્રસંગે એકનાથ શિંદેએ કહ્યું હતું કે, “મરાઠા સમાજ ખૂબ જ સંવેદનશીલ છે, પરંતુ તેટલો જ ઉદાર છે. અગાઉ પણ લાખોની સંખ્યામાં શોભાયાત્રા કાઢીને આ સમાજે ધીરજ ગુમાવી ન હતી, તેથી ભવિષ્યમાં પણ ધીરજ રાખવી જોઈએ.”
દાદરમાં પ્રદર્શન
સકલ મરાઠા સમાજે રવિવારે જાલનામાં વિરોધીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જાલના જિલ્લામાં મરાઠા આરક્ષણ વિરોધમાં કથિત પોલીસ અત્યાચાર એક રાજકીય મુદ્દો બની ગયો છે. અગ્રણી MVA નેતાઓએ શનિવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘાયલોને મળ્યા હતા અને રાજ્ય સરકારની નિંદા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ સત્તામાં રહેલા લોકોના નિર્દેશ વિના આટલી કડક કાર્યવાહી કરી શકી ન હોત.
આ હિંસક ઘટના પર મરાઠા સંગઠનો તરફથી આકરી પ્રતિક્રિયા મળી રહી છે જેઓ ઘણા વર્ષોથી સમુદાય માટે આરક્ષણની માગ કરી રહ્યા છે. ઘણા જિલ્લાઓમાં શનિવારે મોરચો જોવા મળ્યો હતો, અગ્નિદાહની છૂટાછવાયા બનાવો અને કેટલાક સ્થળોએ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જાણકાર લોકોએ કહ્યું કે વિરોધની શ્રેણી શરૂ થઈ ગઈ છે અને તે રાજ્યભરમાં ફેલાઈ જશે.

