Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આરક્ષણ ટકાવી ન શકનારાઓ જ મરાઠાઓને ઉશ્કેરી રહ્યા છે?

આરક્ષણ ટકાવી ન શકનારાઓ જ મરાઠાઓને ઉશ્કેરી રહ્યા છે?

Published : 31 October, 2023 02:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિરોધીઓનું નામ લીધા વિના મરાઠા સમાજના આગેવાનોને ચેતવ્યા : હિંસા ન કરવાની અપીલ કરી : મનોજ જરાંગે પાટીલને ઉપચાર કરવાની સલાહ આપી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મરાઠા સમાજને કોર્ટમાં ટકી શકે એવું આરક્ષણ આપવા માટે સરકાર કટિબદ્ધ છે. નિવૃત્ત જસ્ટિસ ભોસલે, ગાયકવાડ અને શિંદેની સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિતિ મરાઠા આરક્ષણ કોર્ટમાં ટકી શકે એ માટેનું માર્ગદર્શન કરશે. સુપ્રીમ કોર્ટમાં મરાઠા આરક્ષણ ટકાવી ન શકનારાઓ મરાઠાઓને ઉકસાવીને  નેતાઓને ગામમાં પ્રવેશબંધી અને હિંસા કરાવી રહ્યા હોવાનો ગંભીર આરોપ મુખ્ય પ્રધાને કર્યો હતો.


મરાઠા સમાજને આરક્ષણ આપી શકાય કે કેમ એ જાણવા માટે ગઠિત કરવામાં આવેલી મરાઠા આરક્ષણ ઉપસમિતિની ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં સહ્યાદ્રિ અતિથિ ગૃહમાં બેઠક મળી હતી. આ બેઠક બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ સમયે તેમની સાથે ચંદ્રકાન્ત પાટીલ, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ગિરીશ મહાજન, દાદા ભુસે, દિલીપ વળસે પાટીલ, શંભુરાજ દેસાઈ, ઉદય સામંત અને દીપક કેસરકર સહિતના રાજ્ય સરકારના પ્રધાનો હાજર હતા.



મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘મરાઠવાડાના મરાઠા સમાજને મરાઠા-કૂણબી, કૂણબી-મરાઠા જાતિનું પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયામાં જરૂરી પુરાવા અને પ્રશાસકીય તપાસ જસ્ટિસ સંદીપ શિંદેની સમિતિએ કરી છે એનો અહેવાલ આવતી કાલે રાજ્યની કૅબિનેટની બેઠકમાં મૂકીને સ્વીકારવામાં આવશે. સમિતિએ અત્યાર સુધી ૧,૭૩,૭૦,૬૫૯ કરોડ ડૉક્યુમેન્ટ્સ તપાસ્યા છે, જેમાં ૧૧,૫૩૦ ડૉક્યુમેન્ટ્સ કૂણબી જાતિમાં નોંધ કરવામાં આવ્યા હોવાનું જણાયું છે. મરાઠા સમાજને આરક્ષણ આપવા સંબંધી અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે. આથી વરિષ્ઠ વકીલોની ટાસ્ક ફોર્સની બેઠક ટૂંક સમયમાં થશે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ સંબંધી સરકારનો નિર્ણય ફગાવતી વખતે જે નોંધ કરી હતી એનો અભ્યાસ ઓબીસી કમિશનના નિવૃત્ત જસ્ટિસ રિગુડે કરશે.’


મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘મરાઠા આરક્ષણની માગણી સાથે રાજ્યમાં કેટલાંક આંદોલન અને ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે તેના પ્રત્યે અમે ગંભીરતાથી જોઈ રહ્યા છીએ. સરકાર મરાઠા સમાજને કોર્ટમાં ટકી શકે એવું આરક્ષણ આપવા માટેનો પ્રયાસ કરી રહી છે. અગાઉ કોર્ટમાં આરક્ષણ ટકાવી ન શકનારાઓ મરાઠા સમાજના આગેવાનોને ઉકસાવી રહ્યા છે. તેમની વાતમાં આવવાને બદલે સમાજે શાંતિથી આંદોલન કરવું જોઈએ. કાયદો હાથમાં લેવા કે હિંસા કરવાથી મરાઠા સમાજની ઇમેજ ખરડાઈ રહી છે. મરાઠા યુવકોએ આત્મહત્યા ન કરવી જોઈએ. સમાજને અમે ન્યાય અપાવીશું જ. મરાઠા સમાજને બે તબક્કામાં આરક્ષણ આપવામાં આવશે. ક્યુરેટિવ પિટિશન અને જસ્ટિસ શિંદેની સમિતિના માર્ગે મરાઠા સમાજને આરક્ષણ અપાશે. આવતી કાલથી મરાઠા સમાજને કૂણબી પ્રમાણપત્ર આપવાની શરૂઆત કરવામાં આવશે. સરકાર બધી રીતે પૉઝિટિવ છે એટલે મનોજ જરાંગે પાટીલે સરકારને થોડો સમય આપવો જોઈએ. તેમની કૂણબી પ્રમાણપત્રની માગણી સંબંધે શિંદે સમિતિ કામ કરી રહી છે. આથી મનોજ જરાંગે પાટીલે પોતાની કાળજી લેવી જોઈએ અને તબીબી સારવાર સ્વીકારવી જોઈએ.’

મુખ્ય પ્રધાનના કાર્યક્રમમાં મરાઠાઓની ગરબડ


મરાઠા સમાજને આરક્ષણ આપવા સંબંધી સવારના મુખ્ય પ્રધાને ફરી બાંયધરી આપી હોવા છતાં મરાઠા સમાજના લોકોએ યવતમાળમાં મુખ્ય પ્રધાનના કાર્યક્રમમાં ધસી જઈને ગઈ કાલે ગરબડ કરી હતી. આથી ખળભળાટ મચી ગયો હતો. યવતમાળમાં ‘શાસન તમારા દ્વારે’ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પહોંચ્યા હતા ત્યારે મરાઠા સમાજના કેટલાક લોકો ધસી ગયા હતા. તેમણે જોરશોરથી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ગરબડ કરી હતી. જોકે પોલીસે આ લોકોને તાત્કાલિક તાબામાં લઈને કાર્યક્રમ સ્થળથી દૂર લઈ ગઈ હતી.

એનસીપીના વિધાનસભ્યના ઘરને સળગાવ્યું

એનસીપીના વિધાનસભ્ય પ્રકાશ સોળંકેના બીડમાં આવેલા ઘર પર ગઈ કાલે મરાઠા સમાજના લોકોએ દોઢ કલાક સુધી પથ્થરમારો કરવાની સાથે ઘર અને વાહનોને આગ ચાંપી હોવાની ઘટના ગઈ કાલે બની હતી. જોકે આ હુમલો અને આગ લગાડવામાં આવી હતી ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથના વિધાનસભ્ય પ્રકાશ સોળંકે તેમના માજલગામ ખાતેના ઘરમાં હતા કે નહીં એ જાણી નહોતું શકાયું. આ વિધાનસભ્યે મરાઠા સમાજ વિશે કોઈ ટિપ્પણી કરી હતી એટલે સમાજના કેટલાક લોકોએ હિંસક જવાબ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કેટલાક લોકોએ આ જ ગામની સરકારી ઑફિસને પણ આગ ચાંપી હતી. એ સિવાય કેટલાક લોકોએ છત્રપતિ સંભાજીનગરના ગંગાપુરમાં આવેલી બીજેપીના વિધાનસભ્ય પ્રશાંત બમ્બની ઑફિસની તોડફોડ કરી હતી.

સોશ્યલ મીડિયાથી આંદોલન ગામેગામ પહોંચાડાયું

મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણીનું આંદોલન હવે ગામેગામ પહોંચ્યું છે. કેટલેક સ્થળે પ્રત્યક્ષ રીતે આંદોલન કરવામાં આવી રહ્યું છે તો સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યૂબ, સ્નૅપચૅટ વગેરેના માધ્યમથી મરાઠા સમાજના યુવાનોને આંદોલનની માહિતી પહોંચાડવામાં આવી રહી છે. દરેક ગામમાં યુવાનોના આ સંબંધી વૉટ્સઍપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2023 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK