પોતાના બિઝનેસના કામથી મુંબઈ આવી રહેલાં ગીતા સાવલાની કાર પર બીડ પાસે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાં કરફ્યુ હોવાથી પોલીસની મદદથી એક હોટેલમાં રાત કાઢ્યા બાદ આજે તેઓ મુંબઈ પાછાં ફરશે
ગીતા સાવલા
મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી સાથે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં લોકો દ્વારા દેખાવો થઈ રહ્યા છે અને અમુક જગ્યાએ એ હિંસક પણ બન્યા છે. એનો અનુભવ બોરીવલી-ઈસ્ટમાં ડી. એન. દુબે રોડ પર આવેલા રતનનગરમાં રહેતાં કચ્છી મહિલા ગીતા સાવલાને થયો હતો. મુંબઈ પાછી આવતી વખતે આ કચ્છી મહિલાની કાર પર બીડ પાસે હુમલો થતાં કારના કાચ તૂટી ગયા હતા. પોલીસમાં ફરિયાદ કરવા જતાં કરફ્યુ હોવાથી રસ્તામાં પોલીસે તેમને રોક્યાં અને હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરાવી આપી હતી. જોકે ચુસ્ત જૈન હોટેલમાં નૉન-વેજ મળતું હોવાથી તેઓ આખી રાત ભૂખ્યા રહ્યાં હતાં. એ બાદ ગઈ કાલે સવારે બીડથી નીકળીને ઔરંગાબાદ કારના તૂટેલા કાચ બનાવવા જઈ રહ્યાં હતાં, પરંતુ કરફ્યુને કારણે દુકાનો બંધ હોવાથી સવારે પણ તેમને કંઈ ખાવા મળ્યું નહોતું.
હું અને ભાઈ બિઝનેસ-ટ્રિપ પર ગયાં હતાં એમ કહેતાં ગીતા સાવલાએ ‘મિડ-ડે’ને કહયું હતું કે ‘હું છેલ્લાં દસ વર્ષથી લેડીઝ વેઅરનો નાના પાયે બિઝનેસ કરું છું. એથી બિઝનેસ-ટ્રિપ પર હું અને મારા ભાઈ સાથે અમે ૨૩ ઑક્ટોબરે મુંબઈથી નીકળ્યાં હતાં. મુંબઈથી અમે મહારાષ્ટ્ર, કર્ણાટક અને મૈસૂર ગયાં હતાં. સોમવારે સાંજે અમે સોલાપુર થતાં મુંબઈ આવી રહ્યાં હતાં. સાંજે સાડાસાત વાગ્યે સોલાપુરથી પસાર થતાં અમને ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. અમને એમ કે ટોલનાકાને કારણે અથવા કોઈ અકસ્માત થયો હશે એના કારણે ટ્રાફિક-જૅમ થયો હશે, પરંતુ આગળ જતાં સમજાયું કે આ મરાઠા આરક્ષણને કારણે ટ્રાફિક-જૅમ છે.’
ADVERTISEMENT
લેડીઝને જવા દેવામાં આવે છે એમ સમજી અમે કાર આગળ લઈ ગયાં એમ કહેતાં ગીતા સાવલાએ જણાવ્યું કે ‘બીડ-નાકા પાસે હાઇવે પર અમે ધીરે-ધીરે આગળ જવા લાગ્યાં, કારણ કે લોકોએ અમને કહ્યું કે કારમાં લેડીઝ છે તો તમને આગળ જવા દેશે. એથી અમે હિંમત કરીને આગળ ગયાં હતાં. હાઇવે પર ફુલ ટ્રાફિક-જૅમ હતો, પરંતુ અમે આગળ ગયાં ત્યારે ૨૦૦થી પણ વધારે લોકોએ અમને અટકાવી દીધાં હતાં. અમારી કારને ચારેબાજુથી ઘેરી લેતાં અમે પાણી-પાણી થઈ ગયાં. અમે ત્યાં રાતે સાડાનવ વાગ્યે પહોંચ્યાં હતાં. મારા ભાઈ અને ડ્રાઇવરે કહ્યું કે પાછળ લેડીઝ બેઠી છે અને હું પોતે પણ કારથી બહાર નીકળીને તેમને વિનંતી કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું. એટલે ડરને કારણે દરવાજો બંધ કરીને કારની અંદર બેસી ગઈ હતી. કારના આગળના કાચ પર તેઓ જોર-જોરથી મારવા લાગ્યા હતા. કાચ તૂટી ગયો અને અમે એટલા ગભરાઈ ગયાં કે વાત ન પૂછો.’
પોલીસે હોટેલ ખોલાવીને રાતે સ્ટે કરવાની વ્યવસ્થા કરી આપી હતી એમ કહેતાં ગીતાબહેને કહ્યું કે ‘અમે કારને સાઇડ પર લગાવી અને ૧૦૦ નંબર પર પોલીસને ફોન કરતાં તેમણે અમને લોકેશન આપવા કહ્યું હતું. પોલીસે અમારી ફરિયાદ લીધી અને અમને કમ્પ્લેઇન્ટ નંબર પણ આપ્યો હતો. પોલીસે જલદી પહોંચીને મદદ કરવામાં આવશે એમ અમને કહ્યું હતું, પરંતુ અડધો-પોણો કલાક થયો હોવા છતાં કોઈ મદદે આવ્યું નહીં અને આ લોકોનું આંદોલન ઉગ્ર રૂપ લઈ રહ્યું હતું. એટલે અમે બીડ ગામમાં અંદરની બાજુએ નીકળી ગયાં હતાં. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કરફ્યુ લગાડ્યો હતો. પોલીસની વૅન જોતાં અમે તેમને પૂરી માહિતી આપી હતી. કરફ્યુને કારણે બધું જ બંધ હતું અને પોલીસ સાથે વાત થતાં નાઇટ-હોલ્ટ કરવા કોઈક હોટેલમાં સ્ટે કરવાની વ્યવસ્થા કરવા વાત કરી હતી. એટલે પોલીસ અમને ગામડામાં આવેલી હોટેલમાં લઈ ગઈ અને હોટેલ ખોલાવીને અમને ત્યાં સ્ટે કરવામાં મદદ કરી હતી.’
૧૮ કલાકથી વધુ સમય ભૂખ્યા રહ્યાં એમ કહેતાં ગીતાબહેન કહે છે કે ‘અમે સોમવારે બપોરે જમ્યા બાદ મુંબઈ આવવા નીકળી ગયાં હતાં. એ બાદ આંદોલન હિંસક બનતાં અમને હોટેલમાં રહેવું પડ્યું હતું. આ હોટેલમાં નૉન-વેજ વધુ હોવાથી અને અમે જૈન હોવાથી ત્યાં ભૂખ લાગવા છતાં કંઈ ખાધું નહીં. ગઈ કાલે સવારે કરફ્યુના વાતાવરણ વચ્ચે નીકળ્યાં, પણ દુકાનો બંધ હોવાથી ઔરંગાબાદમાં બપોરે સાડાબાર વાગ્યે ચા-પાણી કર્યાં હતાં. ઔરંગાબાદમાં પણ કરફ્યુનું વાતાવરણ હોવાથી ત્યાં પણ બધું બંધ હતું. એક ગૅરેજ ખુલ્લી દેખાઈ, પરંતુ ત્યાં પણ કારનો કાચ ઉપલ્બધ ન હોવાથી તેમણે એની વ્યવસ્થા કરી અને ૪થી ૫ કલાક બાદ એને લગાવ્યો હતો. એથી ગઈ કાલે મોડી સાંજે અમે ઔરંગાબાદથી મુંબઈ આવવા નીકળ્યાં હતાં. જોકે આરક્ષણ માટે એક બાજુ ઉપવાસ કરીને અહિંસા દાખવે છે અને બીજા અન્યો હિંસા કરે છે, જેને લીધે લાખો લોકોએ પરેશાની વેઠવી પડી રહી છે.’