અનેક લોકોએ બપોર પછી તેમની ઑફિસો બંધ રાખી છે.
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજના ઘાટકોપરની જનતાને મળવા આવી રહ્યા છે ત્યારે ઘાટકોપર પોલીસે જનતાને સુરક્ષા માટે આજે સોસાયટીમાં કે બિલ્ડિંગમાં કોઈ અજાણી વ્યક્તિ અથવા શાકભાજીવાળાને પ્રવેશ આપવો નહીં એવું લાલ બહાદુર શાસ્ત્રી માર્ગના અને મહાત્મા ગાંધી રોડના રહેવાસીઓને આહવાન કર્યું છે એટલું જ નહીં, સોસાયટી કે બિલ્ડિંગમાં અજાણ્યાં વાહનોને પણ પ્રવેશ આપવો નહીં એવી અપીલ કરવામાં આવી છે.
ઘાટકોપર પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર બળવંત દેશમુખે સુરક્ષાના મુદ્દે વધુમાં કહ્યું હતું કે ‘આજે બપોરે બે વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી નરેન્દ્ર મોદીનો રોડ-શો જે રોડ પરથી પસાર થવાનો છે એ LBS રોડ અને મહાત્મા ગાંધી રોડ પર આવેલી ઇમારતોની ટેરેસ સંપૂર્ણ બંધ રાખવી તેમ જ ત્યાં કોઈને જવાની પરવાનગી આપવી નહીં. આની સાથે કોઈ સોસાયટીમાં કે ઇમારતમાં, કોઈ ટેરેસ પર કે પાર્કિંગમાં શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ નજરમાં આવે તો તરત જ પોલીસને એની જાણકારી આપવી. આ રીતે પોલીસને સુરક્ષા માટે સાથ-સહકાર આપવામાં આવે.’
ADVERTISEMENT
પોલીસના આ આહવાનને લીધે ઘાટકોપર-વેસ્ટની અનેક સોસાયટીઓએ તેમનાં પ્રવેશદ્વારો બપોરના બે વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અનેક લોકોએ બપોર પછી તેમની ઑફિસો બંધ રાખી છે.