ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે અંધેરીચા રાજાની વિસર્જનયાત્રા વીરા દેસાઈ રોડથી શરૂ થઈ હતી
તસવીર- શાદાબ ખાન
અંધેરી-વેસ્ટમાં આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિ દ્વારા વીરા દેસાઈ રોડ પર અંધેરીચા રાજા ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ગણેશોત્સવની ઉજવણી ૧૧ દિવસની હોય છે, પણ આ મંડળમાં પંદરમા દિવસે એટલે કે ભાદરવા મહિનાના પિતૃપક્ષના ચોથા દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે અંધેરીચા રાજાની વિસર્જનયાત્રા વીરા દેસાઈ રોડથી શરૂ થઈ હતી, જેમાં અસંખ્ય ગણેશભક્તો સામેલ થયા હતા અને હજારો લોકોએ બાપ્પાનાં અંતિમ દર્શન કર્યાં હતાં. વિસર્જનયાત્રા આઝાદનગર, અંધેરી-માર્કેટ, અપના બાઝાર, સાત બંગલો થઈને વર્સોવા બીચ પર આજે વહેલી સવારે પહોંચી હતી.
શ્વાનને બૅટથી બેરહેમીથી ફટકારીને મોતને ઘાટ ઉતારનાર સામે ગુનો નોંધાયો
ADVERTISEMENT
થાણે-વેસ્ટના ઘોડબંદર રોડ પર આવેલા મોગરાપાડામાં ગુરુવારે રખડતા શ્વાનને ક્રિકેટના બૅટથી બેરહેમીથી ફટકારવાની ઘટના બની હતી. આરોપી ગોકુલ થોરેએ શ્વાનને બૅટથી મારતાં એને ગંભીર ઈજાઓ થઈ હતી. એથી સોશ્યલ વર્કર એને વેટરિનરી ડૉક્ટર પાસે સારવાર માટે લઈ ગયો હતો. ત્યાં સારવાર દરમ્યાન શુક્રવારે શ્વાનનું મોત થયું હતું. ત્યાર બાદ સોશ્યલ વર્કરે આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે શ્વાનને બૅટ મારીને એનું મૃત્યુ નિપજાવવા બદલ ગોકુલ થોરે સામે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
બાળકો થતાં ન હોવાથી દંપતીએ કરી આત્મહત્યા
થાણે જિલ્લાના શહાપુર તાલુકાના નાડગાવમાં નાની ઉંમરના દંપતીએ બાળકો થતાં ન હોવાથી હતાશામાં સરી પડીને આત્મહત્યા કરી હતી. ૨૮ વર્ષના હરેશ ઉગડે અને તેની ૨૫ વર્ષની પત્ની નીલમે ઘરમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો. પાડોશીએ આ બાબતે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલ્યા હતા અને ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ રજિસ્ટર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મુંબઈ, મીરા-ભાઈંદર, વસઈ-વિરારના બીચની વ્યાપક સફાઈઝુંબેશ
દુનિયાભરમાં સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે ઇન્ટરનૅશનલ બીચ-ક્લીન ડેની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાથી ગોરાઈ બીચ, મીરા-ભાઈંદરના ઉત્તન બીચ અને વસઈ-વિરારમાં આવેલા અર્નાળા બીચ સુધી સ્થાનિક પ્રશાસન અને વિવિધ સામાજિક સંસ્થાના હજારો સ્વયંસેવકો દ્વારા ગઈ કાલે વ્યાપક સફાઈઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સવારના સાત વાગ્યે શરૂ કરવામાં આવેલી આ સફાઈઝુંબેશમાં સેંકડો ટન કચરો એકઠો કરવામાં આવ્યો હતો.
એકઠા કરવામાં આવેલા પ્લાસ્ટિકનું કેટલીક જગ્યાએ બીચ પર જ રીસાઇક્લિંગ કરવામાં આવ્યું હતું. બાકીના કચરાનો વાહનોમાં ભરીને નિકાલ કરવામાં આવ્યો હતો.
દરિયાને પ્લાસ્ટિકથી મુક્ત રાખો
સૅન્ડ-આર્ટિસ્ટ લક્ષ્મી ગૌડે ગઈ કાલે ગિરગામ ચોપાટી પર દરિયાકિનારાને પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો સંદેશ આપતું રેતશિલ્પ બનાવ્યું હતું.