ભયાનક ભૂકંપ પછી ૨૦૦૪ની ૨૭ ડિસેમ્બરે નરેન્દ્ર મોદીએ કચ્છના નવનિર્મિત મનફરા ગામના બંગલાઓની ચાવી આપી ત્યારથી દર વર્ષે આજના દિવસે અહીંના મૂળ વતનીઓ ગામના જન્મદિવસની ઉજવણી કરે છે
2001 Gujarat Earthquake
નવનિર્માણ કરાયેલું મનફરા ગામ
ભારતનાં લાખો ગામડાંઓમાંથી કોઈ ગામનો દર વરસે જન્મદિવસ ઊજવાતો હોય એવું નોંધાયું નથી, પણ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા મનફરા ગામનો દર વર્ષે જન્મદિવસ ઊજવાય છે!
ધરતીકંપમાં કચ્છનાં અનેક ગામડાંઓને ભારે નુકસાન થયું હતું. મનફરા ગામને પણ ભારે નુકસાન થતાં ગામની બાજુમાં જ નવું આધુનિક ગામ મનફરા યુવક મંડળે વસાવ્યું હતું. ત્યારના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના અધિકારીઓની સામે આખા ગામની યોજના મૂકવામાં આવી અને જોતજોતામાં ૫૫૦ જેટલાં મકાનો મંડળ દ્વારા તૈયાર કરી દેવાયાં. નરેન્દ્ર મોદીએ વિડિયો કૉન્ફરન્સ દ્વારા ગામવાસીઓને બંગલાઓની ચાવી અર્પણ કરી એ દિવસ હતો ૨૦૦૪ની ૨૭ ડિસેમ્બરનો.
ત્યારના પ્રમુખ દામજીભાઈ બોરીચા અને બાંધકામનિષ્ણાત ચંદુભાઈ સાવલા તથા અન્ય કાર્યકરોએ નવું ગામ મનફરા શાંતિનિકેતન બાંધવા ત્રણેક વરસની ભારે જહેમત ઉઠાવી હોવાથી ગામમાં ક્રિકેટ મેદાનથી લઈ દેરાસર, ઉપાશ્રય, સ્થાનક, મહાજનવાડી સહિતના અનેક પ્રકલ્પો બનાવી આધુનિક ગામનું સર્જન કર્યું હતું. જાણે ધરતીકંપ સામે ગામવાસીઓએ રીતસરની બાથ ભીડી હતી.
મંડળના હાલના પ્રમુખ કીર્તિભાઈ ગડાએ જણાવ્યું હતું કે ‘આ વરસે ગામનો અઢારમો જન્મદિવસ છે. દર વરસે મનફરા ગામનો જન્મદિવસ ધામધૂમથી મનાવાય છે. ટ્રેન અને પોતાનાં વાહનો દ્વારા ૨૦૦૦ જેટલા ગામવાસીઓ મુંબઈ અને બહારગામથી મનફરા આવ્યા છે. દર વરસે ૨૭ ડિસેમ્બરે ગામવાસીઓ ગામના મુખ્ય ગેટ પાસે ભેગા થઈ તોરણ બાંધીને ગામને વધાવે છે અને જન્મદિવસ મનાવે છે. ગામવાસીઓ ત્રણ દિવસ સુધી ગામમાં રહીને વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.’
મંડળના યુવાન મંત્રી જયેશભાઈ સાવલાએ કહ્યું હતું કે ‘દર વરસે ૧૫૦૦થી ૨૦૦૦ની સંખ્યામાં ગામવાસીઓ ગામમાં આવે છે અને પોતાના વતનની માટી સાથે જોડાઈ રહે છે. ત્રણ દિવસ સુધી ભોજન, ચા-પાણી અને વિવિધ કાર્યક્રમોનો એક પણ પૈસો લેવામાં આવતો નથી. ક્રિકેટ અને અન્ય રમતગમત સ્પર્ધાઓ, મૅરથૉન, નાટકો, સાંસ્કૃતિક કાર્યક્રમો, અંતાક્ષરી, ઝુમ્બા, યોગ, વાનગી સ્પર્ધાઓ ઇત્યાદિ અનેક કાર્યક્રમોમાં આબાલવૃદ્ધ તમામ વયના લોકો ભાગ લઈને ગામના જન્મદિવસની ઉજવણી કરે છે.’
વાગડ કલા કેન્દ્રના પ્રમુખ જગસીભાઈ દેઢિયાએ કહ્યું હતું કે ‘કચ્છ જિલ્લાનાં ૯૨૦ ગામમાંથી મનફરા એક એવું ગામ છે જ્યાં પર્યાવરણની જાણવણી માટે અવારનવાર વૃક્ષારોપણ થાય છે. એટલું જ નહીં, મુંબઈથી ગામમાં આવતા યુવાનોને પશુધનનું મહત્ત્વ સમજાય એ માટે થોડાંક વર્ષથી ૨૮ ડિસેમ્બરે જીવમૈત્રી દિવસ ઊજવાય છે. એ દિવસે મુંબઈથી આવેલાં ગામનાં યુવાન-યુવતીઓ પાંજરાપોળમાં જઈ પશુઓની સેવા કરે છે અને જીવદયાના પાઠ ભણે છે.’