આ બધાથી કંટાળીને માતાએ પુત્ર અને પુત્રવધૂ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
કાશીમીરામાં રહેતી પચાસ વર્ષની ગુલશન તાસેએ તેના પુત્ર અફશાન અને પુત્રવધૂ વિધિ સામે કાશીગાંવપોલીસ-સ્ટેશનમાં બુધવારે ફરિયાદ નોંધાવી હતી. પુત્રએ ૬૦ લાખ રૂપિયાની માગણી ગુલશન પાસે કરતાં તેણે આપવાનો ઇનકાર કર્યો હતો. એનાથી રોષે ભરાઈને અફશાન અને વિધિએ વૉટ્સઍપના સ્ટેટસ પર ગુલશન વિરુદ્ધ અપશબ્દો લખ્યા હતા એટલું જ નહીં, કેટલાક સંબંધીઓને ગુલશનનું ચારિત્ર્ય ખરાબ થાય એવા મેસેજો મોકલવામાં આવ્યા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ગુલશન દર મહિને તેના પુત્રને વાપરવા માટે એક લાખથી સવા લાખ રૂપિયા આપતી હતી. જોકે પુત્રને દર મહિને એક લાખ રૂપિયા નહોતા જોઈતા, પણ તેણે એકસાથે ૬૦ લાખ રૂપિયાની માગણી તેની માતા પાસે કરી હતી એમ જણાવતાં કાશીગાંવ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૨માં અફશાનનાં લગ્ન વિધિ સાગર સાથે થયા બાદ બન્ને કાસરવડવલીમાં રહેતાં હતાં. બન્ને કોઈ કામ કરતાં ન હોવાથી ગુલશન દર મહિને એકથી સવા લાખ રૂપિયા અફશાનને વાપરવા આપતી હતી એટલું જ નહીં, કાર પણ લઈ આપી હતી. જુલાઈ મહિનામાં અફશાને તેની માતા ગુલશનને દર મહિને ટુકડા-ટુકડામાં પૈસા નહીં પણ એકસાથે ૬૦ લાખ રૂપિયા આપવા કહ્યું હતું. એની સામે તેની માતાએ ઇનકાર કરતાં તેણે માતાને ધમકી પણ આપી હતી. ધમકીથી પોતાનું કામ ન થતું હોવાનું જોઈને તેણે પત્ની સાથે મળીને ગુલશનને બદનામ કરવાના હેતુથી પોતાના વૉટ્સઍપ સ્ટેટસ પર માતાની ખૂબ ખરાબ વાતો લખી હતી. સંબંધીઓને પણ વૉટ્સઍપ મેસેજ કરીને ગુલશનને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી. અંતે આ બધાથી કંટાળી તેણે અમારી પાસે પુત્ર અને પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી હતી.’
માતા વિરુદ્ધ એટલી ગંદી વાતો પુત્રએ લખી હતી કે આપણે બોલી પણ ન શકીએ. આ કેસમાં અમે પુત્ર અને પુત્રવધૂ સામે ફરિયાદ નોંધીને તેમને નોટિસ આપી છે. આ કેસમાં હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.- રાહુલ પાટીલ, કાશીગાંવ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર