પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં મહિલાએ એમએચબી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
દહિસરની મહિલાને છેતરી તેની પાસેથી ૧.૩૬ લાખ પડાવનાર ગો ફિરંગી ટ્રાવેલ્સનો હાર્દિક મહેતા
ટૂર અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા હોવાનું જણાવી દહિસરની એક મહિલા પાસેથી ગુજરાતની ટૂર કરાવવા હોટેલ બુકિંગ અને અન્ય ખર્ચ કહી રૂપિયા ૧.૩૬ લાખ પડાવનાર ૨૯ વર્ષના ગઠિયા હાર્દિક નલિન મહેતાને એમએચબી પોલીસે બહુ ધીરજ રાખી અને ઝીણવટભરી તપાસ કરી આખરે ૯ મહિને ઝડપી લીધો છે.
એમએચબી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુધીર કુડાળકરે કહ્યું હતું કે ‘ગો ફિરંગી ટ્રાવેલ્સ ચલાવતા અને મલાડમાં રહેતા આરોપી હાર્દિકે નવેમ્બર ૨૦૨૨થી લઈ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન દહિસરની એ મહિલા પાસેથી ગુજરાતમાં ટૂર કરાવવા અને હોટેલ બુકિંગ સહિત અન્ય ખર્ચના એમ કહી ૧.૩૬ લાખ રૂપિયા લીધા હતા. જોકે પૈસા લીધા પછી કમિટમેન્ટ પૂરું ન કર્યું અને પૈસા પણ પાછા આપવામાં ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા અને પછી નાસી ગયો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં મહિલાએ અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. અમે ગુનો નોંધી તપાસ ચાલુ કરી હતી, પણ એ મળી નહોતો રહ્યો. તેણે પોતાની ઑફિસ પણ બંધ કરી દીધી હતી અને મોબાઇલ પણ સ્વિચ્ડ ઑફ કરી નાખ્યો હતો. જોકે અમે તેની ઝીણવટભરી તપાસ ચાલુ કરી હતી અને તેના કૉલ ડીટેલ રેકૉર્ડ્સ પણ કઢાવ્યા હતા અને તેનો નંબર સર્વેલન્સ પર મૂકી દીધો હતો. આખરે નવ મહિને એ ભાઈંદર વેસ્ટની શિવસેના ગલીમાં આવેલી પોદાર હાઈ સ્કૂલના ચિરાગનગરમાં આવવાનો હોવાની પાકી માહિતી મળતાં વૉચ રાખી તેને મંગળવારે પકડી લીધો છે. તેણે આ સિવાયનો અન્ય કોઈ ગુનો કર્યા છે કે કેમ એ વિશે પણ અમે તપાસ ચલાવી રહ્યા છીએ.’