જોકે ચોર ફરવા માટે ઍક્ટિવા લઈ ગયો અને પેટ્રોલ પૂરું થઈ જતાં એને રસ્તા વચ્ચે જ મૂકીને જતો રહ્યો
Crime News
બોરીવલીના પ્લૅટફૉર્મ પર સીસીટીવી કૅમેરામાં કેદ થયેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો
બોરીવલી સ્ટેશનની બહાર પાર્કિંગમાં પાર્ક કરેલું ઍક્ટિવા અજ્ઞાત વ્યક્તિ ચોરી કરીને લઈ ગઈ હોવાની બોરીવલી જીઆરપીને ફરિયાદ મળી હતી. આ વિશે પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. એ પછી પોલીસને સીસીટીવી કૅમેરાનું ફુટેજ મળી આવતાં એના આધારે રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી બાઇક ચોરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ચોરે ઍક્ટિવામાં જેટલું પેટ્રોલ હતું એટલું જ ઍક્ટિવા ચલાવીને પછી એને રસ્તા પર છોડી દીધું હતું. પોલીસે ઍક્ટિવા પણ કબજે કર્યું છે.
આ ચોરી વિશે માહિતી આપતાં બોરીવલી જીઆરપીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઍક્ટિવા ચોરી કરનાર આરોપીનું નામ કૃષ્ણ રામ ભૂષણ પાંડે છે. ૨૮ વર્ષનો આ ચોર મૂળ મધ્ય પ્રદેશનો છે અને બોરીવલી પ્લૅટફોર્મ પર જ રહે છે. પ્લૅટફોર્મ પર ફરતો રહેતો હોવાથી તેને રેલવે સ્ટેશન પાસે પાર્કિંગમાં રાખવામાં આવેલા એક ઍક્ટિવામાં એની ચાવી લાગેલી જોવા મળી હતી. ઍક્ટિવાનો માલિક એની ચાવી ભૂલી ગયો હતો. એથી ચોરનું ધ્યાન જતાં તેણે ખૂબ સરળતાથી ઍક્ટિવા ચોરી લીધું હતું. ઍક્ટિવા ચોરાયું હોવાની ફરિયાદ મળ્યા બાદ તપાસ હાથ ધરતાં પ્લૅટફૉર્મના સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં આરોપી રાતના બારથી બે વાગ્યાની આસપાસ ફરતો અને ત્યાર બાદ ચોરી કરતો જોવા મળ્યો હતો. આ ચોરે ઍક્ટિવા લઈ જઈને ચલાવ્યું હતું અને પેટ્રોલ ખતમ થઈ જતાં એને બોરીવલી-વેસ્ટના રસ્તા પર જ છોડી દીધું હતું. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી આરોપીની ધરપકડ કરી હતી અને ચોરીની બાઇક પણ કબજે કરી હતી. ચોર કોઈ હિસ્ટરી ક્રિમિનલ નથી અને પ્લૅટફૉર્મ પર જ પોતાનું જીવન વિતાવે છે. ચોરની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટે જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.’