મરીન ડ્રાઇવના શૅર ટ્રેડિંગ કરતા ગુજરાતી વેપારીની હત્યા કરવા એક યુવક તેમના ઘર પાસે આવ્યો અને તેણે વેપારી પર અચાનક છરી વડે હુમલો કર્યો, પણ તે જરાક માટે બચી ગયો
અજાણ્યા યુવાને શિરીષ શાહ પર હુમલો કર્યો હતો
મરીન ડ્રાઇવમાં રહેતા અને શૅર ટ્રેડિંગનો વ્યવસાય કરતા એક ગુજરાતી વેપારીને વર્ષો જૂની દુશ્મની પછી એક યુવાન હત્યા કરવા તેના ઘર પાસે આવ્યો હતો. આરોપીએ વેપારી પર નજર રાખીને અચાનક હુમલો કર્યો હતો. જોકે આ ઘટનામાં વેપારી થોડાક માટે બચી ગયો હતો. મરીન ડ્રાઇવ પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ પહેલાં પણ જૂની દુશ્મની કાઢવા વેપારી પર પાંચ વખત હુમલો થઈ ચૂક્યો હોવાનું વેપારીએ કહ્યું છે.
મરીન ડ્રાઇવના એન. એસ. રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા શિરીષ શાહે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ‘છેલ્લાં ૧૭ વર્ષથી હું શૅર ટ્રેડિંગનો વ્યવસાય કરું છે. મારી છેલ્લાં ૧૫ વર્ષથી જયેશ ઠક્કર નામના યુવક સાથે ઓળખાણ છે. ૨૦૦૫માં જયેશની કંપની પ્રભાવ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખોટમાં હતી એટલે જયેશે મને એ કંપની ૨.૧૧ કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. એ પછી જયેશે ૨૦૦૫થી ૨૦૨૧ દરમ્યાન આશરે ૧૦ કરોડ રૂપિયા મારી પાસેથી લીધા હતા. એમ છતાં તે વધુ પૈસાની માગણી કરતો રહેતો હતો. આ જ કારણસર મેં તેનો ફોન-નંબર બ્લૉક કરી દીધો હતો. એ પછી જયેશે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમ્યાન ૪ સપ્ટેમ્બરે સાંજે ૮ વાગ્યે હું ઘરેથી ઑબેરૉય હોટેલ જવા નીકળ્યો એ દરમ્યાન મેઘદૂત ફ્લાયઓવર સામેના એન. એસ. રોડ પર એક વ્યક્તિ મારી પાસે આવી અને તેણે મારા પર છરી વડે હુમલો કર્યો હતો. એ પછી હું ત્યાંથી પાછો ઘરે આવ્યો હતો અને મને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો.’
ADVERTISEMENT
શિરીષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આ પહેલાં જયેશે મારા પર પાંચ વખત હુમલો કર્યો છે એની મેં પોલીસ-ફરિયાદ પણ કરી છે. ઘટનાના દિવસે આવેલો માણસ મારા ગળા પર ચાકુ ફેરવવા માગતો હતો, પણ મેં મોઢું ફેરવી લેતાં મારા ગાલ પર છરીનો ઘા વાગ્યો હતો. હાલમાં હું હૉસ્પિટલમાં ઍડ્મિટ છું.’
મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિશ્વનાથ કોળેકરે ‘મિડે-ડે’ને કહ્યું હતું કે ‘અમે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે ફરિયાદીએ જેના પર આરોપ કર્યો છે તેનો કોઈ પોલીસ-રેકૉર્ડ છે કે નહીં એની અમે તપાસ કરી રહ્યા છીએ. અમે હુમલો કરવા આવેલા યુવકની ઓળખ કરી લીધી છે અને તેની શોધખોળ કરી રહ્યા છીએ.’