નવી મુંબઈના પનવેલમાં ૧૯૯૪માં બે સાથીની મદદથી ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકની હત્યા કરીને આરોપી પંજાબ ભાગી ગયો હતો ઃ નામ બદલીને રહેતો હોવા છતાં પોલીસે શોધી કાઢ્યો
પંજાબમાંથી ૩૦ વર્ષે હાથ લાગેલો હત્યારો બિટ્ટુ સિંહ મજવી પનવેલ સિટી પોલીસ સાથે.
મુંબઈ ઃ નવી મુંબઈના પનવેલમાં ૩૦ વર્ષ પહેલાં ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકની હત્યા કરવામાં આવી હતી. આરોપીને નોકરીમાંથી હાંકી કાઢ્યો હતો એટલે ગુસ્સામાં આવીને બે સાથીની મદદથી લોખંડના સળિયાથી પ્રહાર કરીને કંપનીના માલિકની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ પનવેલ સિટી પોલીસમાં નોંધાવવામાં આવી હતી. હત્યા કર્યા બાદ મુખ્ય આરોપી પલાયન થઈ ગયો હતો. ત્રણ દાયકાથી ભાગતો ફરતો હત્યારો પંજાબના અમ્રિતસરમાં નામ બદલીને રહેતો હોવાની માહિતી મળ્યા બાદ પનવેલ પોલીસે અમ્રિતસર પોલીસની મદદથી તેને બે દિવસ પહેલાં ઝડપી લીધો હતો.
પનવેલ સિટી પોલીસના જણાવ્યા મુજબ બેલાપુરમાં રહેતો ૩૮ વર્ષનો કાશ્મીરા સિંહ વિર્ક ૧૯૯૪ની ૧૨ નવેમ્બરે ટ્રક ચલાવીને જઈ રહ્યો હતો ત્યારે તેના પર સખવિંદર સિંહ મજવી, બિટ્ટુ સિંહ મજવી અને બાઉ સિંહ ગૌડસે લોખંડના સળિયા ફટકારીને હુમલો કર્યો હતો. આ હુમલામાં કાશ્મીરા સિંહનું મૃત્યુ થયું હતું. આથી પનવેલ સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીઓ હત્યા બાદ પલાયન થઈ ગયા હતા. થોડા સમય પછી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી અને તેનો સાથી હાથ નહોતા લાગતા.
લાંબા સમયથી ઉકેલાતા ન હોય એવા કેસ ઉકેલવા માટે પોલીસ વિભાગ દ્વારા અવારનવાર વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. ૩૦ વર્ષથી કાશ્મીરા સિંહની હત્યાનો ગુનો ઉકેલાયો નહોતો એટલે પનવેલ સિટી પોલીસે આ કેસ ઉકેલવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. હત્યારો પંજાબના અમ્રિતસરમાં નામ બદલીને રહેતો હોવાની બાતમી મળ્યા બાદ કેટલીક ટીમો બનાવીને તેને ઝડપવા માટેના પ્રયાસ કરાયા હતા. ૧૦ દિવસની મહેનત બાદ પોલીસને સફળતા મળી હતી.
પનવેલ સિટી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી બિટ્ટુ સિંહ મજવી મૃતક કાશ્મીરા સિંહ વિર્કની ટ્રાન્સપોર્ટની કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. આર્થિક કારણસર બિટ્ટુ સિંહને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આથી ગુસ્સામાં આવીને બિટ્ટુ સિંહે તેના બે સાથીની મદદથી કંપનીના માલિકની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ બિટ્ટુ સિંહ અને બાઉ સિંહ ગૌડસ પંજાબ ભાગી ગયા હતા. અહીં તેઓ નામ બદલીને રહેતા હતા. તપાસમાં જણાયું હતું કે બાઉ સિંહનું થોડા સમય પહેલાં મૃત્યુ થયું છે, જ્યારે બિટ્ટુ સિંહ મજવી બલવિંદર સિંહ દર્શન સિંહના નામે રહે છે. આથી અમે અમ્રિતસર પોલીસની મદદથી તેની ધરપકડ કરી હતી.’