ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવદ્રોહી સરકારને ગેટ આઉટ કહી દો, એકનાથ શિંદેએ કહ્યું કે તમને તો જનતાએ બે વર્ષ પહેલાં જ ગેટ આઉટ કહી દીધું છે
ગઈ કાલે ‘જોડે મારા’ આંદોલનમાં ભાગ લેતા અને હુતાત્મા ચોકથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધીના વિરોધ-પ્રદર્શનમાં સામેલ થયેલા ઉદ્ધવ ઠાકરે સહિતના મહા વિકાસ આઘાડીના નેતાઓ.
માલવણના રાજકોટ કિલ્લા પર ઊભું કરવામાં આવેલું છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું તૂટી પડ્યા બાદ મહા વિકાસ આઘાડીના ત્રણે પક્ષો કૉન્ગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) રાજ્ય સરકાર પર તૂટી પડ્યા છે અને એ પૂતળું ઊભું કરવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની દલીલ સાથે ગઈ કાલે એ ઘટનાનો વિરોધ નોંધાવવા તેમણે મુંબઈના હુતાત્મા ચોકથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી મોરચો કાઢીને ‘જોડે મારા’ આંદોલન કર્યું હતું. મહાયુતિના ત્રણે પક્ષ શિવસેના, NCP અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નામનો તેમણે હુરિયો બોલાવ્યો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા ડેપ્યુટી ચીફ મિનિસ્ટરો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારનો ફોટો લગાડેલા બૅનર પર તેમણે જોડા માર્યા હતા.
આ મોરચાને પોલીસે પરવાનગી આપી નહોતી એટલે કોઈ અઘટિત બનાવ ન બને એ માટે મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોની મોટી ફોજ ઉતારી દીધી હતી. સવારથી જ ત્યાં મહા વિકાસ આઘાડીના કાર્યકરો અને સમર્થકો ભેગા થવા માંડ્યા હતા. પોલીસે તેમને પહેલાં તો દૂર જ અટકાવી દીધા હતા. જોકે એ પછી મહા વિકાસ આઘાડીના નેતાઓનું આગમન થવા માંડ્યું અને તેમના દ્વારા પોલીસને એમ કહેવાયું કે આજે રવિવાર છે, વળી અહીંની ઑફિસો પણ બંધ છે તો પણ અમને આંદોલન કરવાની પરવાનગી કેમ નથી આપતા? ત્યારે પોલીસે તેમને હુતાત્મા ચોકથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી જવા દીધા હતા. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, નાના પટોલે, વર્ષા ગાયકવાડ, સુપ્રિયા સુળે, ભાઈ જગતાપ અને અન્ય નાના-મોટા અનેક નેતાઓ ‘જોડે મારા’ આંદોલનમાં હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
ગેટ આઉટ ઑફ ઇન્ડિયા : ઉદ્ધવ ઠાકરે
આંદોલનમાં કાર્યકરોને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘શિવદ્રોહી સરકાર છેલ્લાં બે વર્ષથી ગેરબંધારણીય રીતે ગોઠવાઈ ગઈ છે. એને આપણે કહી દેવું જોઈએ કે ગેટ આઉટ ઑફ ઇન્ડિયા, ગેટ આઉટ અને એ માટે જ અમે અહીં ભેગા થયા છીએ. અરે, જો તમે માફી ન માગી હોત તો શું રાજ્યની જનતાએ, મહારાષ્ટ્રએ તમને જીવતા રાખ્યા હોત? માફી માગતી વખતે પણ તેમના (વડા પ્રધાન નરેન્દ્ર મોદીના) ચહેરા પર જે એક મગરૂરી હતી એ શું તમને પસંદ પડી છે? એ જ વખતે જે કોઈ તેમની સાથે વ્યાસપીઠ પર બેઠા હતા એમાં નાયબ મુખ્ય પ્રધાન એક, એક ડાહ્યો, બે દોઢડાહ્યા, કેટલા ડાહ્યા એની મને જાણ નથી. એક ફુલ, બે હાફ. એમાંનો એક હાફ તો હસતો હતો. એટલે કે તમે મહારાજની મશ્કરી કરો છો? આજે એ લોકો આપણી સામે, આપણા વિરોધમાં રસ્તા પર ઊતર્યા છે અને આપણને કહે છે કે આપણે રાજકારણ કરી રહ્યા છીએ. હું કહીશ કે એ લોકો કરે છે એ રાજકારણ નથી પણ ઘચકરણ છે. શિવસેનાપ્રમુખ હંમેશાં કહેતા કે હાલમાં રાજકારણ એ ઘચકરણ (ખંજવાળવું) જેવું થઈ ગયું છે. એ લોકો ભલે ખંજવાળતા બેસે, પણ આ ભૂલને માફ નહીં કરાય.’
શિવાજી મહારાજનું નામ અને ઔરંગઝેબ જેવાં કામ : મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
ઉદ્ધવ ઠાકરેના આ વક્તવ્યનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘એમને (મહા વિકાસ આઘાડીની સરકારને) બે વર્ષ પહેલાં જ જનતાએ ગેટઆઉટ કહી દીધું છે. જનતાએ તેમને ગેટ આઉટ કરી સત્તાથી દૂર કરીને ઘરમાં બેસાડી દીધા છે. છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેવું છે અને કામ ઔરંગઝેબ અને અફઝલ ખાન જેવું કરવું છે. લોકસભાની ચૂંટણી પહેલાં પણ મહા વિકાસ આઘાડી રમખાણ કરવાનો ઇરાદો ધરાવતી હતી. એના મોટા-મોટા નેતાઓ રમખાણ થાય એવી ભાષા વાપરતા હતા. તેમને મહારાષ્ટ્રને અશાંત કરવું છે, તેમને મહારાષ્ટ્રમાં શાંતિ નથી જોઈતી. મહારાષ્ટ્રમાં રમખાણો ફાટી નીકળે, જાતિઓમાં વૈમનસ્ય ઊભું થાય એવો પ્રયાસ તેમણે લોકસભાની ચૂંટણી પહેલાં પણ કર્યો હતો. જોકે મહારાષ્ટ્રની જનતા ડાહી છે, સંયમી છે એટલે જ રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે કામ કરી રહી છે.’
મહારાજે સુરત લૂ્ંટ્યું એવો ખોટો ઇતિહાસ ભણાવનાર કૉન્ગ્રેસ શું માફી માગશે? : દેવેન્દ્ર ફડણવીસ
મહા વિકાસ આઘાડીનું આ આંદોલન રાજકીય છે એમ જણાવીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ જે આંદોલન થઈ રહ્યું છે એ પૂરી રીતે રાજકીય છે. એમણે, પછી એ મહા વિકાસ આઘાડી હોય કે કૉન્ગ્રેસ પાર્ટી હોય, ક્યારેય છત્રપતિ શિવાજી મહારાજનું સન્માન નથી કર્યું. પંડિત નેહરુનું, ઇન્દિરાજીનું લાલ કિલ્લા પરથી કર્યું હોય એવું એક પણ ભાષણ બતાવો જેમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજનો ઉલ્લેખ કર્યો હોય. નેહરુજીએ તેમના પુસ્તક ડિસ્કવરી ઑફ ઇન્ડિયામાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું છે. શું એની માફી કૉન્ગ્રેસ પાર્ટી અને મહા વિકાસ આઘાડી માગશે? મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન કમલ નાથે, કૉન્ગ્રેસે છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું બુલડોઝર ફેરવીને હટાવ્યું, તોડી નાખ્યું એની શું કૉન્ગ્રેસ પક્ષ માફી માગશે? કર્ણાટકમાં ત્યાંના કૉન્ગ્રેસ કાર્યાધ્યક્ષે છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું તોડી નાખ્યું, હટાવી નાખ્યું શું એની માફી કૉન્ગ્રેસ પાર્ટી માગશે? એના પર શરદ પવાર સાહેબ અને ઉદ્ધવ ઠાકરે સાહેબ કેમ મોંમાં મગ ભરીને બેઠા છે? શિવાજીએ સુરત લૂંટ્યું એમ કૉન્ગ્રેસે અમને ઇતિહાસમાં શીખવ્યું; પણ શિવાજી મહારાજે સુરત લૂંટ્યું નહોતું, તેમણે સુરત પર આક્રમણ કર્યું હતું અને સ્વરાજ્યનો ખજાનો જે ત્યાંના કેટલાક લોકો પાસે હતો એ પડાવી લીધો હતો. જોકે તેમણે સામાન્ય જનતાને લૂંટી નહોતી. શિવાજી મહારાજ ત્યાં સામાન્ય માણસને લૂંટવા ગયા હતા એવો ઇતિહાસ અમને આટલાં વર્ષો સુધી જે કૉન્ગ્રેસે શીખવ્યો એને શું તમે માફી માગવા કહેશો કે પછી ફક્ત ખુરશી માટે તેમનું મીંઢાપણું સ્વીકારશો એનો જવાબ ઉદ્ધવ ઠાકરે આપે.’
પૂતળું ઊભું કરવામાં ભ્રષ્ટાચાર કરવો એ શિવાજી મહારાજનું અપમાન : શરદ પવાર
આંદોલનમાં સહભાગી થયેલા શરદ પવાર હુતાત્મા ચોક પાસે આવ્યા ત્યારે ઉઘાડા પગે હતા એટલું જ નહીં, તેમણે પગમાં કાળી રિબન લગાડી હતી. એ પછી અન્યનો હાથ પકડીને ગેટવે તરફ ઉઘાડા પગે જ કેટલુંક અંતર ચાલ્યા હતા. પૂતળું ઊભું કરવામાં ભ્રષ્ટાચાર કરવો એ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન છે એમ જણાવીને શરદ પવારે વધુમાં કહ્યું હતું કે ‘માલવણના રાજકોટ કિલ્લા પરનું શિવાજી મહારાજનું પૂતળું તૂટી પડવાની ઘટના બની. હાલના સત્તાધીશોએ મહારાજનું અપમાન કર્યું છે. માલવણના રાજકોટ કિલ્લા પરનું શિવાજી મહારાજનું પૂતળું તૂટી પડ્યા પછી રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે પૂતળું પવનને કારણે તૂટી પડ્યું. આજે આપણે ગેટવે ઑફ ઇન્ડિયા પર આવ્યા છીએ. અહીં છેલ્લાં પચાસ વર્ષથી શિવાજી મહારાજનું પૂતળું લોકોને પ્રેરણા આપી રહ્યું છે. મહારાષ્ટ્રના ખૂણે-ખૂણે આવાં અનેક પૂતળાં છે, પણ માલવણમાં ઊભું કરાયેલું પૂતળું ભ્રષ્ટાચારનો નમૂનો છે. રાજકોટ પર એ પૂતળું ઊભું કરવામાં ભ્રષ્ટાચાર થયો એવું લોકમાનસ સમજે છે. એથી આ શિવાજી મહારાજનું અપમાન છે. એ જ પ્રમાણે સંપૂર્ણ શિવપ્રેમીઓનું પણ અપમાન છે. એથી અપમાન કરવાનું આ કામ જેમણે કર્યું છે તેમનો નિષેધ કરવા આજે આ જગ્યાએ આંદોલન કરવામાં આવ્યું છે.’
સત્તાધારીઓએ આંદોલન કરવું પડે એ હાસ્યાસ્પદ છે : સુપ્રિયા સુળે
મહા વિકાસ આઘાડીના ‘જોડે મારા’ આંદોલન સામે એનો વિરોધ કરવા BJPએ ‘ખેટર મારો’ આંદોલન કર્યું હતું. BJPના નેતા ચંદ્રકાંત બાવનકુળેએ કહ્યું હતું કે જો તે લોકો ‘જોડે મારા’ આંદોલન કરે છે તો સામે અમારું ‘ખેટર મારો’ (ખાસડું કે ચંપલ મારો) આંદોલન છે. મહા વિકાસ આઘાડીને ખેટર (પગની એડી) મારો, કારણ કે તેમણે બદમાશી કરી છે. છત્રપતિ શિવરાયનું નામ લો છો એ કલંક છે, કારણ કે તમે ક્યારેય તેમના નામનો આદર કર્યો નથી.’
BJPના આ આંદોલનને હાસ્યાસ્પદ જણાવતાં સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે ‘સત્તાધારીઓએ વિરોધ પક્ષનો વિરોધ કરવા આંદોલન કરવું પડે એ હાસ્યાસ્પદ છે. આનો અર્થ જ એ થયો કે તેઓ ગભરાઈ ગયા છે.’