કોંકણથી કલમ લઈ જઈને આફ્રિકાના મલાવી દેશમાં ઉગાડવામાં આવતી આ કેરીનો ટેસ્ટ આપણી આફૂસ જેવો જ હોવાથી આખી દુનિયામાં એની સારીએવી ડિમાન્ડ છે : અત્યારે ત્રણથી પાંચ હજાર રૂપિયાનું મળે છે એક બૉક્સ
મલાવી કેરી
નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો, પણ આપણે ત્યાં હજી કોંકણની આફૂસ કેરીનું આગમન નથી થયું. છેલ્લાં થોડાં વર્ષોથી દિવાળીની આસપાસ આફૂસ કેરી શરૂ થઈ જતી હોય છે. જોકે આ વખતે નવી મુંબઈની ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટમાં આપણી આફૂસનો ‘કઝિન ભાઈ’ આવી ગયો છે.
આફ્રિકાના મલાવી દેશની આફૂસનાં ૯૪૫ બૉક્સ માર્કેટમાં આવી ગયાં છે અને બીજાં આવતી કાલે આવવાનાં છે. આ કેરીની ખાસિયત એ છે કે એનો સ્વાદ આપણી કોંકણની આફૂસ જેવો જ છે. એનું કારણ સમજાવતાં માર્કેટના એક વેપારીએ કહ્યું હતું કે ‘મલાવીનું વાતાવરણ કોંકણ જેવું જ છે અને એટલે જ કોંકણથી આફૂસની કલમ લઈ જઈને ત્યાં લગાવવામાં આવી છે. આ કેરીનો આકાર આપણી આફૂસ કેરી કરતાં નાનો છે, પણ એનો ટેસ્ટ આફૂસ જેવો જ છે. આ જ કારણસર આ કેરીની આખી દુનિયામાં સારીએવી ડિમાન્ડ છે.’
ADVERTISEMENT
અત્યારે આ કેરીનું એક બૉક્સ ત્રણથી પાંચ હજાર રૂપિયામાં મળે છે. એમાં ચાર કિલો કેરી હોય છે. APMC માર્કેટના વેપારીઓનું કહેવું છે કે આ વખતે કોંકણની આફૂસ આવવામાં બે મહિના જેટલું મોડું થાય એમ હોવાથી કેરીના રસિયાઓએ આ કેરી ખાવી જોઈએ.
આ સિવાય માર્કેટમાં અત્યારે અમેરિકાની ટૉમી ઍટકિન્સ કેરી પણ આવી છે. જોકે એ ટેસ્ટમાં ઓકે હોય છે. ટૉમી ઍટકિન્સ નામની વ્યક્તિએ અમેરિકાના ફ્લૉરિડામાં કેરી ઉગાડી હોવાથી તેમના નામ પરથી કેરીનું નામ પાડવામાં આવ્યું છે. અત્યારે આ કેરીનાં પણ ૨૭૦ બૉક્સ APMC માર્કેટમાં આવ્યાં છે.