મલાડમાં રહેતા હિતેન ગાંધીના પુત્રો લોનાવલા ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી કુલ ૨૦,૭૪,૭૦૦ રૂપિયાની મતા ચોરાઈ ગઈ
પ્રતીકાત્મક તસવીર
મલાડ-વેસ્ટમાં લિબર્ટી ગાર્ડન નજીક રહેતો ગાંધી પરિવાર ચોમાસાનો આનંદ લેવા લોનાવલા ગયો ત્યારે તેમના ઘરમાંથી ૨૦,૭૪,૭૦૦ રૂપિયાની માલમતાની ચોરી થઈ હોવાની ફરિયાદ રવિવારે મલાડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. ધનશ્રી સોસાયટીના બીજા માળના ફ્લૅટને ચોરોએ શનિવારે રાતે ટાર્ગેટ કરીને પહેલાં સેફ્ટી ડોરનું લૉક તોડ્યું હતું. ત્યાર બાદ મેઇન ડોરનું લૉક તોડીને બેડરૂમમાં પ્રવેશ્યા હતા અને અંદરનાં કબાટોનાં લૉક તોડીને દાગીનાની ચોરી કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ધનશ્રી સોસાયટીના ૧૧ નંબરના ફ્લૅટમાં હિતેન ગાંધી અને તેમનાં પત્ની ભાવનાબહેન રહે છે અને એ જ સોસાયટીના ફ્લૅટ-નંબર ૨૧માં તેમના બન્ને પુત્રો રોનક અને હર્ષ ગાંધી પરિવાર સાથે રહે છે એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે આઠ વાગ્યે હર્ષ અને રોનક તેમના પરિવાર સાથે લોનાવલા ફરવા જવા નીકળ્યા હતા. એ પહેલાં તેમણે ફ્લૅટ-નંબર ૨૧નો મેઇન ડોર અને સેફ્ટી ડોર લૉક કર્યો હતો. દરમ્યાન, રવિવારે સવારે ફ્લૅટ-નંબર ૧૧માં રહેતાં ભાવનાબહેન બીજા માળે આવેલા ફ્લૅટમાં કામ માટે ગયા ત્યારે ૨૧ નંબરના ફ્લૅટનો દરવાજો ખુલ્લો હતો. તેમણે આગળ જઈને મેઇન ડોરને ધક્કો મારતાં ઘરનો તમામ સામાન અસ્તવ્યસ્ત પડેલો જોયો હતો. અંદર જઈને બન્ને બેડરૂમમાં તપાસ કરતાં બેડરૂમમાં રાખેલા કબાટના દરવાજા ખુલ્લા હોવાનું જણાયું હતું એટલે તાત્કાલિક કબાટ ખોલીને દાગીના અને પૈસા તપાસ્યા તો એ ચોરાયા હોવાની માહિતી મળી હતી.’
ADVERTISEMENT
ગાંધી પરિવારના ખાલી ઘરને ટાર્ગેટ કરીને ૨,૭૫,૦૦૦ રૂપિયાની રોકડ ઉપરાંત ૧૭,૯૯,૭૦૦ રૂપિયાના દાગીના બન્ને બેડરૂમમાંથી ચોરાયા હોવાનું સામે આવતાં ૫૯ વર્ષના હિતેન ગાંધીની ફરિયાદ પર અમે અજાણ્યા ચોર સામે ગુનો નોંધ્યો છે એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાગીનામાં સોનાનો હાર, સોનાની વીંટી, સોનાનાં બૂટિયાં, સોનાનું પેન્ડન્ટ, સોનાની બંગડીઓ, સોનાની ચેઇન, સોનાના સિક્કા, સોનાનું મંગળસૂત્ર, ચાંદીનાં વાસણો, ચાંદીના સિક્કા વગેરે ચોરાયું છે. આ ચોરી પાછળ કોઈક જાણભેદુનો હાથ હોવાની અમને શંકા છે, કારણ કે જે કોઈએ ચોરીને અંજામ આપ્યો છે તેની પાસે ઘરની તમામ માહિતી હતી. કઈ વસ્તુઓ ક્યાં રાખી છે એ પણ તેને ખબર હતી. આ કેસમાં વધારે તપાસ કરવામાં આવી રહી છે.’
આ ઘટના અંગે વધુ માહિતી જાણવા ‘મિડ-ડે’એ હિતેન ગાંધીનો ફોન દ્વારા સંપર્ક કર્યો હતો, જોકે તેમણે આ વિષય પર કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

