સાંઈનાથ રોડ પર ટ્રકો રસ્તા પર જ ઊભી રાખીને ફિશ વેચવામાં આવતાં રહેવાસીઓ અને વેપારીઓ પરેશાન : માછલીનું પાણી રસ્તા પર પડતાં દુર્ગંધ આવવાથી લઈને મચ્છરનો ત્રાસ : રહેવાસીઓએ વિન્ડો બંધ રાખવી પડે છે, જ્યારે દુકાનદારોએ ફિનાઇલ નાખીને સફાઈ કરવી પડે છે
મલાડમાં આવેલ મચ્છી માર્કેટ
એક બાજુ ટ્રાફિક-જૅમ દૂર કરવા અને લોકોની સુવિધા માટે મલાડના મુખ્ય રસ્તાઓ પરની દુકાનો પર બુલડોઝર ફેરવીને રસ્તા પહોળા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ મલાડ-વેસ્ટમાં સાંઈનાથ રોડ પર આવેલા રેસિડેન્શિયલ વિસ્તારના રહેવાસીઓ અને દુકાનદારો રસ્તા પર થતી ગંદકીને કારણે ત્રાહિમામ્ પોકારી ગયા છે. તાજી હવા મેળવવા માટે પોતાના ઘરની વિન્ડો પણ ખુલ્લી રાખી શકાતી નથી. દુકાનદારોના ધંધા પર અસર થતાં દરરોજ ફિનાઇલથી સફાઈ કરવા માટે સાંઈનાથ રોડના રહેવાસીઓ અને દુકાનદારો મજબૂર છે. આ પરિસરમાં આવેલી વર્ષો જૂની સાંઈનાથ મચ્છી માર્કેટમાં જતી અનેક ટ્રકો બહારના રસ્તા પર જ લાઇનથી ઊભા રહીને પોતાનો ધંધો કરે છે જેને કારણે આસપાસ રહેતા લોકોને દુર્ગંધની સાથે મચ્છરો અને ગંદકીનો પણ સામનો કરવો પડે છે. ભૂતકાળમાં રહેવાસીઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવતાં રસ્તા પર બાંકડા નાખીને વેચાતી મચ્છીઓનો ધંધો બંધ થયો, પરંતુ એ કામ હવે ટ્રકમાં કરવામાં આવી રહ્યું છે જેને કારણે લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવા છતાં પ્રશાસન આંખ આડા કાન કરીને બેઠું હોય એવું લોકોને લાગી રહ્યું છે.
બીએમસી દ્વારા સ્વચ્છતા અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મચ્છી માર્કેટ તૈયાર કરવામાં આવી છે, પરંતુ એના પર યોગ્ય રીતે ધ્યાન અપાતું ન હોવાથી બીએમસી સંચાલિત માર્કેટમાં કાયદાનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. મચ્છી માર્કેટમાં મચ્છીનું વેચાણ ન કરતાં રસ્તા પર જ એનું વેચાણ થવા લાગ્યું હોવાથી લોકોએ અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મલાડની આ મચ્છી માર્કેટને કારણે આસપાસનાં ચારેક બિલ્ડિંગો સહિત અનેક દુકાનદારો રસ્તા પર થતી ગંદકીને રોકવા નિષેધ કરી રહ્યા છે. અસહ્ય ગંદકી અને દુર્ગંધને કારણે બીમારીનો ભોગ ન બનવું પડે એ ચિંતા લોકોને થઈ રહી છે. એક તરફ બીએમસીનો સ્વાસ્થ્ય વિભાગ ઘરમાં કે દુકાનમાં મચ્છરોના ઉપદ્રવ બદલ દંડરૂપે કાર્યવાહી કરે છે ત્યારે બીજી તરફ સાંઈનાથ માર્કેટની બહારના રસ્તા પર ખુલ્લેઆમ લાગતી મચ્છી માર્કેટ કાયમી ધોરણે બંધ થાય એવી કાર્યવાહી કેમ થતી નથી એવો સવાલ લોકોએ ઊભો કર્યો છે.
ADVERTISEMENT
રસ્તા પર પડતા મચ્છીના પાણીનો ત્રાસ
આ રસ્તા પર આવેલી પટેલ નિવાસ સોસાયટીના સેક્રેટરી ડૉ. હેમંત ભાટીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ મચ્છી માર્કેટ હોલસેલ માર્કેટ હોવાથી અહીં હજારો કિલો માલ ઠાલવવામાં આવે છે. સવારે ૫.૩૦થી ૯.૩૦ વાગ્યાના સમયગાળામાં રસ્તા પર ટ્રકો લઈને વેચાતી મચ્છીના ધંધાને કારણે ખૂબ ટ્રાફિક-જૅમ થતો હોય છે જેને કારણે આસપાસની સોસાયટીના રહેવાસીઓને પટેલ શૉપિંગ સેન્ટરના ગેટની અંદર-બહાર આવવામાં મુશ્કેલી પડે છે. સડેલી માછલીઓ રસ્તા પર અનેક વખત પડી રહે છે અને એનું પાણી પણ પડતાં આખો દિવસ દુર્ગંધ આવે છે. માછલીઓના બૉક્સમાંથી પડતા પાણીને કારણે મચ્છરોનો ખૂબ ત્રાસ થઈ રહ્યો છે જે અહીંના રહેવાસીઓના સ્વાસ્થ્ય પર અસર કરે છે. ટ્રાફિક-જૅમ અને મચ્છી રસ્તા પર વેચાતી હોવાથી એનો ઘોંઘાટ એટલો વધારે હોય છે કે લોકો પોતાની ઊંઘ પૂરી કરી શકતા નથી. મચ્છીનું વેસ્ટેજ ત્યાં જ પડતું હોવાથી કાગડા, કૂતરા, બિલાડીઓ એ ખાવા આવતાં હોય છે. એને કારણે રહેવાસીઓ તો હેરાન થાય જ છે, પરંતુ રસ્તા પરથી પસાર થતા લોકો પણ પરેશાન થાય છે.’
બારી બંધ રાખવી પડે છે
આ પરિસરના અન્ય એક રહેવાસીએ કહ્યું હતું કે ‘દુર્ગંધ એટલી અસહ્ય બની છે કે ઘરની બારીઓ બંધ રાખવી પડે છે. અમારા બિલ્ડિંગમાં એક રહેવાસીના ઘરે સગાઈ હતી, પરંતુ આ દુર્ગંધને કારણે એ રદ કરવી પડી હતી. એક પેશન્ટ કૅન્સરગ્રસ્ત છે અને તાજી હવા લેવા બારી-બારણાં ખુલ્લાં રાખી શકતા નથી. રસ્તા પર મચ્છી વેચવામાં આવતાં દુર્ગંધનું પ્રમાણ વધી જતાં મહેમાનોને પણ અમે બોલાવી શકતા નથી.’
પટેલ શૉપિંગ સેન્ટરની દુકાનોના ધંધાને અસર
પટેલ નિવાસના કેટલાક સભ્યોની પટેલ શૉપિંગ સેન્ટરમાં દુકાન પણ છે. અહીં દુકાન ધરાવતા શશાંક સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે પાંચ-સાડાપાંચથી લઈને ૯.૩૦ વાગ્યા સુધી પટેલ શૉપિંગ સેન્ટર લેનની બહારના વિસ્તારમાં રસ્તા પર માછલીનું વેચાણ થતું હોવાથી ભારે દુર્ગંધ આવતી હોય છે. એની અમારા વ્યવસાયને અસર થઈ રહી છે. માછલીની સતત દુર્ગંધને કારણે ગ્રાહકો આવા સ્થળની મુલાકાત લેતા નથી. પરિણામે વેચાણમાં ઘટાડો થાય છે અને ધંધામાં નુકસાન થાય છે. દુકાનની આવકથી જ દુકાનદારોની રોજીરોટી ચાલતી હોય છે. મચ્છીના વેપારીઓ પોતાનો ધંધો કરવા લોકોને પરેશાની થતી હોય તો પણ એની અવગણના કરે છે તો શૉપિંગ સેન્ટર અને આસપાસની દુકાનોના દુકાનદારો પણ તો પોતાનો ધંધો કરવા જ બેસે છેને? રસ્તા પર ટ્રકો ઊભી રહેતી હોવાથી એના ગંદા પાણી સહિત અનેક વખત મૃત માછલીઓ ત્યાં પડેલી હોય છે જેમાંથી આખો દિવસ દુર્ગંધ આવે છે. એને કારણે મચ્છર પણ પેદા થાય છે. એથી અમે દુકાનદારો ફિનાઇલ લઈને દુકાનની આગળનો ભાગ સાફ કરીએ છીએ.’
કાર્યક્રમો કૅન્સલ થાય છે
આ પરિસરમાં સવિતા બૅન્ક્વેટ ધરાવતાં જાહનવી ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં તો ઓછી ટ્રકો ઊભી રહેતી, પણ હવે તો એની સંખ્યા વધી જતાં રસ્તા પર દુર્ગંધ આવતી હોય છે. પટેલ નિવાસ, પટેલ શૉપિંગ સેન્ટર, જાગૃતિ બિલ્ડિંગ અને સવિતા સદનના લોકો એનો વિરોધ કરી રહ્યા છે. આ દુર્ગંધને કારણે અમારા હૉલમાં અનેક કાર્યક્રમો રદ થઈ રહ્યા છે. થોડા મહિનાઓ પહેલાં બીએમસીમાં ફરિયાદ કરી ત્યારે તેમને રસ્તા પર બાંકડાઓ લઈને મચ્છી વેચતા બંધ કરાવ્યા હતા. બાળકો સ્કૂલમાં જતાં હોય ત્યારે શૂઝમાં મચ્છીનું પાણી લાગી જાય તો દુર્ગંધ આવતી હોય છે. સ્કૂલમાં બાળકોનાં શૂઝ ક્લાસની બહાર કઢાવ્યાં હોય એવો બનાવ સુધ્ધાં બન્યો છે. ફિશ માર્કેટ માટે આખી માર્કેટ આપી છે તો ત્યાં જ વેચવી જોઈએ. અમે બીએમસથી લઈને સીએમ સુધી ફરિયાદ કરી છે, પરંતુ વહીવટી તંત્રની નિષ્ફળતા અમને જોવા મળી છે.’
બીએમસીનું શું કહેવું છે?
પી-સાઉથ વિભાગના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ દિધાવકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ વિશે રહેવાસીઓ દ્વારા ફરિયાદ આવી રહી છે અને એ મામલે પોલીસ સાથે બેઠક પણ થઈ હતી. જોકે ફેરિયાઓ પર થતી બીએમસીની કાર્યવાહીની જેમ અહીં એ રીતે કાર્યવાહી કરી શકાતી નથી, કારણ કે આ મોટી-મોટી ટ્રક છે. એમને જપ્ત કરવાથી ટ્રાફિક-જૅમથી લઈને અન્ય બીજી સમસ્યાઓ આડે આવી શકે છે. એથી પહેલાં બીએમસી, ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ સાથે જૉઇન્ટમાં મીટિંગ લઈને કાર્યવાહી કેવી રીતે કરવી એ વિશે ચર્ચા કરવામાં આવશે. ટૂંક સમયમાં રહેવાસીઓની આ સમસ્યા દૂર કરવામાં આવશે.’
ફિશ અસોસિએશનનું શું કહેવું છે?
ફિશ અસોસિએશનના અધ્યક્ષ સંતોષ કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મલાડની મચ્છી માર્કેટમાં બેસતા અનેક માછીમારો ગેરકાયદે ત્યાં કબજો જમાવીને બેઠા છે. એને કારણે લાઇસન્સ લઈને ધંધો કરતા માછીમારોને માર્કેટમાં બેસવા મળતું નથી. એટલે આ લાઇસન્સ ધરાવતા માછીમારો ટ્રક લઈને આવે છે, પરંતુ તેમણે રસ્તા પર ઊભા રહીને વેચવું પડે છે. રસ્તા પર ઊભા રહીને વેચવાનું અમને પણ સારું લાગતું નથી, કારણ કે ત્યાંના રહેવાસીઓને પણ એના કારણે ત્રાસ થાય છે. અમે આ વિશે સતત બીએમસીમાં ફરિયાદ કરી રહ્યા છીએ કે તેઓ ગેરકાયદે બેસતા માછીમારોને માર્કેટમાંથી દૂર કરે, પરંતુ કોઈ ઍક્શન લેવાતી નથી. ગેરકાયદે બેસતા માછીમારો કોર્ટમાં પણ ગયા હતા, પરંતુ ૨૦૨૩ની પહેલી ફેબ્રુઆરીએ તેઓ હારી ગયા હતા. ત્યાર બાદ પ્રશાસન માર્કેટમાં આવીને જગ્યાની માર્કિંગ કરીને ગઈ, પરંતુ એ બાદ કોઈ ઍક્શન લેવાઈ નથી.’

