આગમાં ૧૦૦ જેટલાં ઝૂંપડાં હોમાયાં. એ સિવાય ઘાટકોપર અને વડાલામાં પણ આગના બનાવ બન્યા, પણ તરત એના પર કાબૂ મેળવી લેવાયો
મલાડ-ઈસ્ટના કુરાર વિલેજના જામઋષિ નગરમાં ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળતા ૧૦૦ જેટલાં ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં. (તસવીર : સમીર માર્કેન્ડેય)
મલાડ-ઈસ્ટના કુરાર વિલેજના વાઘેશ્વરી મંદિર પાસે આવેલા જામઋષિ નગરમાં ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે આગ ફાટી નીકળી હતી, જેમાં ૧૨ વર્ષના પ્રેમ તુકારામ બોરેનું મૃત્યુ થયું હતું. આ ભીષણ આગમાં ૧૦૦ જેટલાં ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં.
બીએમસીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગનો વ્યાપ જોતાં ફાયર બ્રિગેડે લેવલ-ટૂની આગ જાહેર કરી હતી. ૮ ફાયર એન્જિન, ૪ જમ્બો ટૅન્કર અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઓલવી નાખી હતી. સુધરાઈના અધિકારીએ કહ્યું કે ‘આ આગના ધુમાડામાં ગૂંગળામણ થતાં બેભાન થયેલા ૧૨ વર્ષના પ્રેમ બોરેને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.’
ADVERTISEMENT
જોકે આ ઘટના વખતે ત્યાં હાજર રહેનાર વ્યક્તિઓનું કહેવું છે કે એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો એને લીધે પ્રેમ બોરેનું મૃત્યુ થયું હતું. આ બ્લાસ્ટમાં બીજા ૧૪ જણ ઘાયલ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. સાંજ સુધી ત્યા કૂલિંગ ઑપરેશન ચાલી રહ્યું હતું.
એ સિવાય આગની અન્ય બે ઘટના ગઈ કાલે બની હતી, જેમાં ઘાટકોપર-વેસ્ટના નારાયણનગરમાં ગ્રાઉન્ડ પ્લસ વનના સ્ટ્રક્ચરમાં બપોરે ૧ વાગ્યે આગ લાગી હતી. જોકે લોકોએ તરત જ આગને ઓલવી નાખી હતી. આગમાં કોઈ કોઈ જખમી નહોતું થયું.
વડાલામાં બપોરે ૧ વાગ્યે રેલવેલાઇન પાસેના કચરાના ઢગલામાં આગ લાગી હતી, જેમાં નજીક આવેલી બીએમસીના એફ નૉર્થ વૉર્ડની એક ઑફિસ ચપેટમાં આવી ગઈ હતી. ઑફિસના સ્ટાફે એ જગ્યાએથી સામાન ખસેડી લીધો હતો અને પછીથી ફાયર બ્રિગેડે આવીને આગ ઓલવી નાખી હતી.

