પરિવાર એક બેડરૂમમાં નિદ્રાધીન હતો ત્યારે બીજા બેડરૂમમાંથી સાડાચાર લાખ રૂપિયાની માલમતા ચોરાઈ ગઈ, પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ ટીમ દ્વારા તપાસ હાથ ધરી છે.
પ્રતીકાત્મક તસવીર
મલાડ-વેસ્ટના એસ. વી. રોડ પર અજિતનગરના કાબરા ડિવાઇન ટાવરમાં રહેતા ૪૭ વર્ષના અમિત કાપડિયા પરિવાર સાથે સોમવારે રાતે ઘરના એક બેડરૂમમાં સૂતા હતા ત્યારે ઘરના બીજા બેડરૂમમાંથી સાડાચાર લાખ રૂપિયાના દાગીના સહિતની માલમતાની ચોરી થઈ હોવાની ફરિયાદ મલાડ પોલીસ-સ્ટેશનમાં મંગળવારે નોંધાઈ હતી. પ્રાથમિક માહિતીના આધારે પોલીસે તપાસ કરતાં જણાયું હતું કે ચોર બીજા માળે ચડ્યા બાદ મેઇન હૉલની વિન્ડો તોડીને ઘરમાં પ્રવેશ્યો હતો. ત્યાર બાદ ચોરી કરીને વિન્ડોમાંથી પાછો ઘરની બહાર નીકળી ગયો હતો. પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ ટીમ દ્વારા તપાસ હાથ ધરી છે.
ચોર બીજા માળે કઈ રીતે ચડ્યો અને કઈ રીતે તેણે વિન્ડો ખોલી એ જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ એમ જણાવતાં મલાડના પોલીસ-ઇન્સ્પેક્ટર રોહન આહિરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા અમિત કાપડિયાનો પરિવાર સોમવારે રાતે ૧૧ વાગ્યે ઘરના એક બેડરૂમમાં સૂતો હતો. મંગળવારે સવારે ૬ વાગ્યે અમિત કાપડિયા જ્યારે બેડરૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે બીજા બેડરૂમનો દરવાજો અને કબાટ ખુલ્લા જોયા હતા. કબાટમાં તપાસ કરતાં એમાંથી સોનાની બંગડી, ચેઇન, વીંટી, બ્રેસલેટ, સોનાના સિક્કા ઉપરાંત ચાંદીનાં વાસણ ચોરાઈ ગયાં હોવાનું જણાયું હતું જેની કિંમત સાડાચાર લાખ રૂપિયા છે. એ પછી અમને જાણ કરતાં અમારી ટીમે ઘટનાસ્થળે જઈ તપાસ કરતાં મેઇન હૉલની વિન્ડો તોડીને ચોર ઘરમાં પ્રવેશ્યો હોવાનું જણાયું હતું. જોકે આ ચોંકાવનારી બાબત છે કે ઘરમાં પરિવાર સૂતો હતો છતાં ચોર તેમના ઘરમાં હાથફેરો કરીને નાસી ગયો. આ મુદ્દે અમારી બે ટીમ વધુ તપાસ કરી રહી છે.’
ADVERTISEMENT
‘મિડ-ડે’એ અમિત કાપડિયા સાથે વાત કરવાની કોશિશ કરતાં તેમણે કહ્યું કે પોલીસે અમને કોઈ પણ માહિતી શૅર કરવાની મનાઈ કરી છે એટલે અત્યારે અમે તમને કાંઈ ન કહી શકીએ, પણ પોલીસ તરફથી માહિતી લઈને તમે એ ન્યુઝ છાપી શકો છો.

