અકોલામાં પણ એક જણનું ગળામાં માંજો ફસાઈ જવાથી થયું અવસાન
સોનુ કિસન ધોત્રે
નાશિક પાસેના દેવલાલી કૅમ્પમાં રહેતા ૨૩ વર્ષના સોનુ કિસન ધોત્રેનું ગઈ કાલે નાશિકમાં પાથર્ડી નાકા વિસ્તારમાં નાયલૉન માંજાથી ગળું કપાઈ જતાં મૃત્યુ થયું હતું. તેને પહેલાં ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ ત્યાંથી જિલ્લા સરકારી હૉસ્પિટલમાં તેને શિફ્ટ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
સોનુ ધોત્રેના પિતાનું થોડાં વર્ષો પહેલાં નિધન થયા બાદ રોજગાર માટે સોનુ વલસાડમાં સેટ થયો હતો, પણ મકરસંક્રાન્તિ હોવાથી તે ઘરે આવ્યો હતો. ત્રણ મહિના પછી ૧૩ મેએ તેનાં લગ્ન લેવાવાનાં હતાં. પરિવારનું ગુજરાન તે ચલાવતો હતો.
ADVERTISEMENT
અકોલામાં બાઇક ચલાવી રહેલા ૪૦ વર્ષના કિરણ સોનોણે બાયપાસ ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ગળામાં માંજો અટવાતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તરત હૉસ્પિટલ લઈ જવાયો હતો, પણ તેનું મોત થયું હતું.
યેવલામાં પણ એક યુવાન આ રીતે ઘાયલ થયો હતો. બાઇક પર પસાર થઈ રહેલા દત્તુ જેજુરકરના ગળામાં નાયલૉન માંજો અટવાતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તરત જ નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, તેના ગળા પર ૪૫ ટાંકા આવ્યા છે.

