ગુજરાત પોલીસે મકરસંક્રાન્તિને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષા માટે પ્રશંસનીય પગલાં લીધાં છે, પણ મુંબઈમાં ગ્લાસ-કોટેડ માંજાને કારણે થતી જાનહાનિ અટકાવવાની દિશામાં કામ થાય એની ઘણી જરૂર છે
સુરતમાં પોલીસ બાઇકસવારોને રૅક્સિન નેકબૅન્ડ્સનું વિતરણ કરી રહી છે.
મુંબઈ : મકરસંક્રાન્તિને ધ્યાનમાં લેતાં સુરતમાં ગુજરાત પોલીસ અને સ્થાનિક મ્યુનિસિપલ કૉર્પોરેશને ગ્લાસ-કોટેડ માંજાને કારણે થતી જાનહાનિ અટકાવવા માટે ઉત્તમ પહેલ કરી છે. જોકે મુંબઈમાં આવાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. અહીં તાજેતરમાં વાકોલા ફ્લાયઓવર પર એક કૉન્સ્ટેબલનું ગળું પતંગની દોરીથી કપાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું.
સુરતના અધિકારીઓએ પતંગની દોરીથી ટૂ-વ્હીલર પર સવાર લોકોની સુરક્ષા માટે ઇલેક્ટ્રિક થાંભલા સાથે વાયર બાંધ્યા છે. સુરતમાં સરકારી અધિકારીઓ પણ બાઇકરોમાં રૅક્સિન નેકબૅન્ડ્સનું વિતરણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ગુજરાત પોલીસના ડેપ્યુટી કમિશનર (સ્પેશ્યલ બ્રાન્ચ) હેતલ પટેલે જણાવ્યું હતું કે ‘અમારી ટીમે મોટરચાલકોની સુરક્ષા માટે ટ્રાફિક ઑથોરિટી અને લોકલ મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે હાથ મિલાવ્યા છે. અમે જાગૃતિ ફેલાવવા માટે સોશ્યલ મીડિયાની મદદ પણ લઈ રહ્યા છીએ. આ ઉપરાંત ૧૪ અને ૧૫ જાન્યુઆરીએ બધા એલિવેટેડ રસ્તાઓ અને ફ્લાયઓવરને ટૂ-વ્હીલર્સ માટે બંધ રાખવામાં આવશે.’
મુંબઈ પોલીસે ૩૬ વર્ષના કૉન્સ્ટેબલ સમીર જાધવના મૃત્યુને પગલે શહેરમાં તમામ ચાઇનીઝ માંજા વેચનારાઓને અટકાવવાનો દાવો કર્યો છે, પરંતુ રિયલ અને વર્ચ્યુઅલ એમ બંને રીતે માંજાનું વેચાણ ઊંચી કિંમતે થઈ શકે છે એમાં બેમત નથી.
સમીર જાધવના મૃત્યુ બાદ મુંબઈ પોલીસે ૪૪,૪૫૦ રૂપિયાનો માંજો જપ્ત કર્યો હતો અને બૉમ્બે પોલીસ ઍક્ટની કલમ ૧૧૩ હેઠળ કુલ ૧૪,૪૪૦ રૂપિયાનો દંડ કર્યો હતો, જે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મૂકે છે.
‘મિડ-ડે’ દ્વારા સંપર્ક કરવામાં આવતાં જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) પ્રવીણ પૌડવાલે કહ્યું હતું કે તેમણે ઘણી પહેલ કરી છે અને તેઓ વિગતો શૅર કરશે. જોકે એ પછી પૌડવાલે કે અન્ય સિનિયર ઑફિસરોએ પણ જવાબ આપ્યો નહોતો.
પતંગનો માંજો મનુષ્ય ઉપરાંત પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ ગંભીર ખતરો છે. જોકે બીએમસી દ્વારા આ ખતરાને ઘટાડવા માટે કોઈ પહેલ કરવામાં આવી નથી. એ નાગરિકોને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ ગઈ છે. બીએમસીના ચીફ આઇ. એસ. ચહલે માત્ર એટલું જ કહ્યું હતું કે દર વર્ષે ટ્રાન્સપોર્ટ કમિશનર અને મુંબઈ ટ્રાફિક પોલીસના અધિકારીઓ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રોડ સેફ્ટી ડ્રાઇવ ચલાવે છે. બીજી તરફ મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભીમનવરે આ બાબતે રાજ્યના રોડ સેફ્ટી ડેપ્યુટી કમિશનર ભરત કાલસકર સાથે વાત કરવાનો નિર્દેશ આપ્યો હતો, પણ તેમણે પણ કોઈ જવાબ આપ્યો નહોતો.
મુંબઈબેઝ્ડ મોટરિસ્ટ પ્રતીક કેદારે કહ્યું હતું કે ‘ગુજરાતની જેમ મહારાષ્ટ્ર સરકારે પણ સંબંધિત તમામ એજન્સીઓને હાથ મિલાવવાનો નિર્દેશ આપવો જોઈએ અને મુંબઈકરોની સુરક્ષા નિશ્ચિત કરવી જોઈએ.’