મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને માહિમ બેઠક પરથી ઉતારવામાં આવવાની સાથે અહીંથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનાના અત્યારના વિધાનસભ્ય સદા સરવણકરને ફરી ઉમેદવારી આપી છે એટલે રાજ્યની આ બેઠક ચર્ચાસ્પદ બની ગઈ છે.
રાજ ઠાકરેને મળ્યા બાદ નિર્ણય લઈશ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને માહિમ બેઠક પરથી ઉતારવામાં આવવાની સાથે અહીંથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનાના અત્યારના વિધાનસભ્ય સદા સરવણકરને ફરી ઉમેદવારી આપી છે એટલે રાજ્યની આ બેઠક ચર્ચાસ્પદ બની ગઈ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ અમિત ઠાકરેને સમર્થન કરીને સદા સરવણકરને ઉમેદવારી પાછી ખેંચવાની વિનંતી કરી છે. ગઈ કાલે વર્ષા બંગલા પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સદા સરવણકર સાથે આ બાબતે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સદા સરવણકરે કહ્યું હતું કે ‘વર્ષા બંગલા પર હું ગયો હતો એ સાચું છે, પણ મારી કોઈની સાથે બેઠક નથી થઈ. હું સાંજે ગયો ત્યારે મુખ્ય પ્રધાન આરામમાં હતા. મુખ્ય પ્રધાનના આશીર્વાદથી જ મેં માહિમ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. આથી હું લડીશ કે ઉમેદવારી પાછી ખેંચીશ એ વારંવાર કહેવું યોગ્ય નથી. રાજ ઠાકરેમાં અમે બાળાસાહેબની પ્રતિકૃતિ જોઈએ છીએ. બાળાસાહેબે ક્યારેય ચૂંટણી નહોતી લડી. તેમણે શિવસૈનિકોને મોટા કર્યા. આથી રાજ ઠાકરે મને આશીર્વાદ આપે એવી અપેક્ષા છે. હું રાજ ઠાકરેને મળીને વિનંતી કરીશ. તેમને મળવા માટેનો સમય માગ્યો છે. રાજ ઠાકરે બોલાવશે ત્યારે તેમને મળવા જઈશ. બાદમાં જ ચૂંટણી લડવા સંબંધે નિર્ણય લઈશ.’