આ સંદર્ભમાં આ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમને પણ આ બધું જાણવા મળ્યું છે અને અમે એની તપાસ કરી રહ્યા છીએ. અમુક સ્ક્રિપ પર તેમનો સંપૂર્ણ કન્ટ્રોલ હતો અને તેઓ જ એને ચલાવતા હોવાનું અમને જાણવા મળ્યું છે.
અમદાવાદમાં પકડાયેલા ૧૦૦ કિલો સોનાનો માલિક શૅરબજારમાં ઑફલોડિંગનો બાદશાહ?
મહેન્દ્ર અને મેઘ શાહ પાસે આટલું સોનું ક્યાંથી આવ્યું એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલી તપાસ-એજન્સીઓ એ વાતની પણ તપાસ કરી રહી છે કે નાના રોકાણકારોને કરોડો રૂપિયામાં નવડાવીને જે-તે કંપનીઓના પ્રમોટરોને ઑફલોડિંગ દ્વારા માલામાલ કરી આપવાના મહેન્દ્ર શાહ પર જે આરોપ થઈ રહ્યા છે એમાં કેટલું તથ્ય છે
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર બિલ્ડિંગમાં મેઘ મહેન્દ્ર શાહે ભાડે રાખેલા ફ્લૅટ પર ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને ગુજરાત ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ રેઇડ પાડીને ૧૦૭.૫૮૩ કિલો સોનું અને ઝવેરાત, ૧૧ લક્ઝરી ઘડિયાળ તથા ૧.૩૭ કરોડ રોકડા રૂપિયા જપ્ત કર્યાં હતાં. આ રિકવરી બાદ આખા દેશમાં ચર્ચા થઈ રહી છે કે આટલું સોનું આ વ્યક્તિ પાસે આવ્યું ક્યાંથી?
ADVERTISEMENT
એનો જવાબ આપતાં શૅરબજાર સાથે સંકળાયેલી એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને મેઘ અને મહેન્દ્ર શાહ કોણ છે અને આ બાપ-દીકરો શું અને કોનું કામ કરે છે એની માહિતી આપી હતી.
એક સમયે તેમને શૅરબજારમાં ઑફલૉડિંગના બાદશાહ કહેવામાં આવતા હતા. આ બાબતે માર્કેટ સાથે જોડાયેલી અને મહેન્દ્રભાઈને સારી રીતે ઓળખતી આ વ્યક્તિએ કહ્યું હતું કે ‘જે કંપનીમાં પ્રમોટરનો હિસ્સો ઊંચો હોય અને તેમની ઇચ્છા પોતાનો થોડો હિસ્સો ઊંચા ભાવે વેચવાની હોય તેમને આ કામ કરી આપવામાં મહેન્દ્રભાઈ માહિર છે. માર્કેટની ભાષામાં કહીએ તો સ્ક્રીન ચલાવવામાં તેમનો હાથ કોઈ ન પકડી શકે. તેઓ શૅરોના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવીને ઊંચા ભાવે પ્રમોટરોને તેમના માલનું ઑફલોડિંગ કરાવતા હતા. એમાં તેમને સારું કમિશન મળતું હતું, પણ નાના રોકાણકારો ફસાઈ જતા હતા.’
આ સંદર્ભમાં આ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમને પણ આ બધું જાણવા મળ્યું છે અને અમે એની તપાસ કરી રહ્યા છીએ. અમુક સ્ક્રિપ પર તેમનો સંપૂર્ણ કન્ટ્રોલ હતો અને તેઓ જ એને ચલાવતા હોવાનું અમને જાણવા મળ્યું છે. તેઓ શૅરબજાર મારફત લોકોને બ્લૅકના વાઇટ કરી આપવાનું પણ કામ કરતા હતા. કોઈ વ્યક્તિને પોતાની બુકમાં શૉર્ટ ટર્મ નફો કે નુકસાન જોઈતું હોય તો આ કામ પણ તેઓ કરતા હોવાની અમને ખબર પડી છે. આ બધા ઍન્ગલથી અમે તપાસ કરી રહ્યા છીએ.’
આ તો કંઈ નથી. મહેન્દ્ર શાહનાં પૉલિટિકલ કનેક્શન્સ પણ બહુ જ સ્ટ્રૉન્ગ છે. આ કેસની તપાસ કરી રહેલા બીજા એક અધિકારીએ કહ્યું હતું કે ‘અત્યારે રાજકીય સંન્યાસ લઈ ચૂકેલા ગુજરાતના એક વરિષ્ઠ નેતાના પરિવાર સાથે જોડાયેલી એક લિસ્ટેડ કંપનીનો શૅર છેલ્લાં બે વર્ષમાં ૩૪ ગણો વધ્યો છે એમાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું અમને જાણવા મળ્યું છે એટલે એની અમે તપાસ કરી રહ્યા છીએ. આ સિવાય મહારાષ્ટ્રની મહાયુતિ સરકારના એક નેતાની કંપનીને શૅરબજારમાં લિસ્ટ કરાવવામાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે એટલે અમે એની પણ તપાસ કરાવી રહ્યા છીએ.’
અંદાજે ૬૦ વર્ષના મહેન્દ્ર શાહ શૅરબજારના ટોચના ઑપરેટર છે અને છેલ્લાં કેટલાંય વર્ષોથી તેઓ માર્કેટના ‘મોટા ખેલાડી’ છે. મહેન્દ્રભાઈએ શૅરબજારમાં અનેક ઉતાર-ચડાવ જોયા છે. આ બાબતે માર્કેટ સાથે જોડાયેલી અને મહેન્દ્રભાઈને સારી રીતે ઓળખતી આ વ્યક્તિએ કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં મેં જ મહેન્દ્રભાઈને પાંચેક વાર તકલીફમાં આવ્યા બાદ ઊભા થતા જોયા છે. પહેલાં તેઓ જુહુ વિસ્તારમાં આવેલા ‘ફિલ્મસિટી’ નામના પોતાના બંગલાથી ઑપરેટ કરતા હતા, પણ આ બંગલો તેમણે વેચી નાખ્યો હતો અને હમણાં થોડા સમય પહેલાં પાછો ખરીદી લીધો છે. અત્યારે તેઓ અંધેરીના લોખંડવાલા કૉમ્પ્લેક્સના બૅક રોડ પર આવેલા બંગલામાં રહે છે. આ બંગલો તેમણે કોવિડમાં ખરીદ્યો હતો. અમદાવાદમાં પણ ૫૦થી ૬૦ કરોડની કિંમતની એક પ્રૉપર્ટી તેમણે ખરીદી છે. મહેન્દ્રભાઈએ મેઘને પણ પોતાની સાથે માર્કેટના કામમાં લઈ લીધો છે.’
ડી-લિસ્ટ થઈ ગયેલી કંપનીઓને લિસ્ટ કરાવી એમનો ભાવ ઊંચે લઈ જઈને પ્રમોટર્સને ફાયદો કરાવી આપવામાં તેમની શું ભૂમિકા છે એની પણ પોલીસ તપાસ કરી રહી છે. મોટા પ્રમાણમાં સોનું અને રોકડ મળ્યા બાદ DRI અને ATS મહેન્દ્ર અને મેઘ શાહને શોધી રહી છે.

