મહારેરાએ ૧૦,૭૭૩ હાઉસિંગ પ્રોજેક્ટ્સને નોટિસ મોકલીને જવાબ માગ્યો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈ સહિત રાજ્યમાં અનેક હાઉસિંગ પ્રોજેક્ટસ કોઈ ને કોઈ કારણસર સમયસર પૂરા થયા નથી અને તેમના દ્વારા આપવામાં આવેલા વાયદા તેમણે પૂરા નથી કર્યા એથી મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (MAHARERA-મહારેરા)એ આવા ૧૦,૭૭૩ હાઉસિંગ પ્રોજેક્ટ્સને શો કૉઝ (કારણ દર્શક) નોટિસ મોકલાવી છે અને એનો જવાબ આપવા કહ્યું છે. જો તેઓ જવાબ નહીં આપે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે જેમાં તેમનું વેચાણ રોકી દેવું, રજિસ્ટ્રેશન રદ કરવાથી લઈને તેમનાં અકાઉન્ટ ફ્રીઝ કરવા સુધીનાં દંડાત્મક પગલાં લેવામાં આવશે.
રાજ્યમાં સૌથી વધુ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ૫૨૩૧ હાઉસિંગ પ્રોજેક્ટને નોટિસ આપવામાં આવી છે, જ્યારે પુણેમાં ૩૪૦૬ તથા નાશિકમાં ૮૧૫ સહિતનાં શહેરોનો સમાવેશ છે. ડેવલપર દ્વારા પ્રોજેક્ટ ચાલુ કરતી વખતે એ પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે એની તારીખ આપવાની હોય છે. જો એ નિર્ધારિત તારીખ પછી પ્રોજેક્ટ પૂરો થાય તો એ પ્રોજેક્ટ કેમ મોડો પૂરો થયો એનો ખુલાસો આપવો પડે છે. જો પ્રોજેક્ટ અધૂરો હોય તો એ કમ્પ્લીશન ડેટ રિન્યુ કરાવવી પડે છે એટલું જ નહીં, તબક્કાવાર પ્રોજેક્ટનું કામ કેટલું પૂરું થયું એ મહારેરાની વેબસાઇટ પર અપલોડ કરવી પડે છે. રાજ્યમાં ૧૦,૭૭૩ પ્રોજેક્ટ એવા છે જેમાં બિલ્ડર કે ડેલવપર દ્વારા આ માહિતી અપડેટ કરવામાં નથી આવી એથી તેમને હવે મહારેરાએ શો કૉઝ નોટિસ મોકલાવીને જવાબ આપવા કહ્યું છે.