નૅશનલ સ્ટાર્ટઅપ ડે નિમિત્તે સ્ટાર્ટઅપ ઍન્ડ ટેક્નૉલૉજી ફોરમના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ફડણવીસે કરી જાહેરાત
નૅશનલ સ્ટાર્ટઅપ ડે ૨૦૨૫ના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર વિમેન સ્ટાર્ટઅપ સ્કીમ’ની લાભાર્થી મહિલાઓનું ગઈ કાલે સન્માન કર્યું હતું. આ સ્કીમ હેઠળ રાજ્ય સરકાર મહિલાઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા ૧,૦૦,૦૦૦થી લઇને ૨૫,૦૦,૦૦૦ રૂપિયા સુધીની આર્થિક સહાય આપે છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે ગુજરાતના ‘ગિફ્ટ સિટી’ની તર્જ પર રાજ્યમાં ‘ઇનોવેશન સિટી’ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી હતી. આ પહેલ ટેક્નૉલૉજી અને ઇનોવેશન માટે એક હબ બનાવશે, જે ખાસ કરીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જેવાં ઊભરતાં ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ માટે ઉપયોગી પ્લૅટફૉર્મ પૂરું પાડશે. આ જાહેરાત નૅશનલ સ્ટાર્ટઅપ ડે નિમિત્તે મુંબઈમાં સ્ટાર્ટઅપ ઍન્ડ ટેક્નૉલૉજી ફોરમના કાર્યક્રમમાં કરવામાં આવી હતી.
ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક (GIFT - ગિફ્ટ) સિટી એ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન ઍક્ટ હેઠળ ભારતનું પ્રથમ ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસ સેન્ટર છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે વિકસિત આ ફાઇનૅન્શિયલ અને ટેક્નૉલૉજી હબ ભારત અને વિદેશના બિઝનેસને આકર્ષવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જે રીતે ગુજરાતને ગિફ્ટ સિટી બનાવવામાં આવી છે એમ અમારો ઉદ્દેશ મહારાષ્ટ્રમાં વધુ ઝડપે ઇનોવેશન સિટી વિકસાવવાનો છે. એને માટે રાજ્ય આગામી બે મહિનામાં નવી સ્ટાર્ટઅપ નીતિને અંતિમ સ્વરૂપ આપવાનું આયોજન કરી રહ્યું છે, જે સજેશન-ઑબ્જેક્શન માટે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. રાજ્યમાં અત્યારે ૨૫,૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ છે. રોકાણ અને મૂલ્યની દૃષ્ટિએ મહારાષ્ટ્ર નંબર વન છે, જે એને સ્ટાર્ટઅપ કૅપિટલ બનાવે છે. એનું શ્રેય મુંબઈ, પુણે, નાગપુર, નાશિક અને છત્રપતિ સંભાજીનગરને જાય છે. સ્ટાર્ટઅપ ક્રાન્તિને આગળ લઈ જવા માટે સરકાર કરમુક્તિ આપવાની સાથે ફાસ્ટ-ટ્રૅક પેટન્ટ ઍપ્લિકેશન્સ વિકસાવી રહી છે.
મહારાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે બીજાં પગલાંઓની પણ કરવામાં આવી જાહેરાત...
૧૦૦ કરોડ રૂપિયાના ફન્ડ માટે સ્મૉલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SIDBI) સાથે નવી ભાગીદારી કરવામાં આવશે. પહેલાં આ ફન્ડ માત્ર મુંબઈમાં જ રહેતું હતું, પરંતુ હવે દરેક મહેસૂલ વિભાગને ૩૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.
ઇન્ડસ્ટ્રિયલિસ્ટો, લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સ, ઇન્ક્યુબેટર્સ અને યુનિવર્સિટી એ સ્ટાર્ટઅપના પ્રણેતા છે. ‘ઈઝ ઑઉ ડૂઇંગ’ને કારણે બિઝનેસ જલદી શરૂ કરવામાં ટ્રાન્સપરન્સી આવી છે. ભવિષ્યમાં પણ માનવીય હસ્તક્ષેપ ન કરતાં પારદર્શકતાથી રાજ્ય શાસન સાથે બિઝનેસ કરવાની તક આપવામાં આવશે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) એ ટેક્નૉલૉજીનું ભવિષ્ય છે જેને કારણે સ્ટાર્ટઅપ્સને બહુ પુશ મળશે. એને કારણે ઉદ્યોગોને જ તક મળશે એવું નથી, રોજગારની તકો પણ ઊભી થશે. રાજ્યને જો સ્ટાર્ટઅપમાં આગળ લઈ જવું હોય તો રાજ્ય શાસન સાથે કામ કરો એવું આહવાન પણ તેમણે કર્યું હતું.
દેશમાં મહિલાઓ દ્વારા સૌથી વધુ સ્ટાર્ટઅપ્સ મહારાષ્ટ્રમાં શરૂ થયાં છે. કશુંક નવું કરવા માગતી મહિલા ઉદ્યોજકોને સહાયરૂપ થાય એવું માળખું તૈયાર કરવા રાજ્ય સરકારે વુમન ઑન્ટ્રપ્રનરશિપ સેલ બનાવ્યો છે. રાજ્યમાં ૧૨,૦૦૦ સ્ટાર્ટઅપ્સ રજિસ્ટર થયાં છે જેમાં ૧૦૦ સ્ટાર્ટઅપને મહિલાઓ લીડ કરે છે. મહિલા ઉદ્યોજકોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તેમને માટે ખાસ તૈયાર કરાયેલાં ઇન્ટેન્સિવ અને સ્કીમ ઑફર કરે છે.
મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલાં સ્ટાર્ટઅપમાં ફિનટેક, ઈ-કૉમર્સ અને એન્ટરપ્રાઇઝ ટેકનો સમાવેશ થાય છે. દેશભરમાં ૨૦૨૪માં મહિલાઓ દ્વારા શરૂ કરાયેલાં સ્ટાર્ટઅપ ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે અને એમાં મહારાષ્ટ્ર મોખરે છે.