ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ આ નિયમને અમલમાં મૂકવા માટે પૉલિસી તૈયાર કરી રહ્યું છે જેમાં એ આપણાં પણ સૂચનો લેશે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તમામ ડિપાર્ટમેન્ટને ૧૦૦ દિવસનો પ્લાન તૈયાર કરવાનો આદેશ આપ્યા બાદ ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભિમનવારે આટલા દિવસની અંદર મહારાષ્ટ્રમાં નવી કાર અને ટૂ-વ્હીલર ખરીદનારાઓ પાસે પાર્કિંગ ફરજિયાત હોવાની પૉલિસી બનાવવાની જાહેરાત કરી છે. જે પણ નવી કાર કે ટૂ-વ્હીલર ખરીદશે તેમની પાસે ‘મૅન્ડેટરી સર્ટિફાઇડ પાર્કિંગ એરિયા’ જોઈશે અને જે લોકો પાસે એ નહીં હોય તેમના વેહિકલનું રજિસ્ટ્રેશન રિજેક્ટ કરી દેવામાં આવશે.
વિવેક ભિમનવારે કહ્યું હતું કે ‘અત્યારે અમે આ બાબતે પોલીસ અને ગવર્નમેન્ટ ઑથોરિટી સહિતના જરૂરી લોકો સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે પબ્લિક ઓપિનિયન પણ લેવાના છીએ અને ત્યાર બાદ જ ફરજિયાત પાર્કિંગની આખી પૉલિસી તૈયાર કરીને કૅબિનેટ પાસે મંજૂરી માટે મોકલીશું. જો વધી રહેલાં વાહનોની સંખ્યાને અંકુશમાં રાખવામાં નહીં આવે તો ૨૦૩૦ સુધીમાં રોડ પર ૬.૮ કરોડ વાહનો હશે જે અત્યારના ૩.૮ કરોડની સરખામણીમાં ૮૦ ટકા જેટલાં વધારે હશે. ગયા વર્ષે જ રાજ્યમાં ૨૯ લાખ નવાં વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. આપણે નવા ફ્લાયઓવર અને કોસ્ટલ રોડ બનાવી રહ્યા છીએ, પણ જો વાહનોની સંખ્યામાં આ રીતે વધારો થશે તો આ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ પણ કંઈ કામ નહીં આવે.’
ADVERTISEMENT
૧૦૦ દિવસમાં બીજું શું કરશે?
બૉર્ડર ચેકપોસ્ટ નાબૂદ કરશે.
ઓલા અને ઉબર જેવા ઑપરેટરો માટે નવી ઍગ્રિગેટર કૅબ પૉલિસી લાવવામાં આવશે.
ઇલેક્ટ્રિક વેહિકલ પૉલિસીનો રિવ્યુ કરવામાં આવશે.
લોકોએ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) સુધી આવવાની જરૂર ન પડે એ માટે ૫૪ સર્વિસ ઑનલાઇન કરવામાં આવશે. અત્યારે ૪૨ સર્વિસ ઓનલાઇન છે.