સ્ટેટ બોર્ડે MSBSHSE નામની ઍપ શરૂ કરી જેમાં ક્વેશ્ચન પેપર, એક્ઝામનું ટાઇમટેબલ, રિઝલ્ટ સહિતની તમામ વિગતો મળી શકશે
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑૅફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન ઍપ
આજના ડિજિટલ યુગમાં જ્યાં જગતભરની માહિતી આંગળીના ટેરવે મોબાઇલ પર ઍક્સેસ કરી શકાય છે ત્યારે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑૅફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન, પુણે દ્વારા હવે SSC અને HSCના વિદ્યાર્થીઓ અને વાલીઓને બધી જ ઑફિશ્યલ માહિતી મોબાઇલમાં મળી શકે એ માટે ખાસ MSBSHSE નામની ઍપ તૈયાર કરી છે. જે પ્લે સ્ટોરમાંથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે.
દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ SSC અને HSCની પરીક્ષા આપતા હોય છે. તેમને સ્કૂલમાંથી માહિતી અપાતી હોય છે. જોકે હાલના ડિજિટલ યુગમાં સોશ્યલ મીડિયા પર અને ઘણી વાર કોચિંગ ક્લાસિસમાંથી માહિતીની ખાતરી કર્યા વગર જ ઘણી ઇન્ફર્મેશન ફૉર્વર્ડ કરી દેવાતી હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ગેરસમજ ઊભી થતી હોય છે. એથી સ્ટેટ બોર્ડે પોતાની ઍપ બનાવવાનો નિર્ણય લીધો હતો અને હવે એ ઍપ બની પણ ગઈ છે.
ADVERTISEMENT
આ ઍપ પર મૉડલ ક્વેશ્ચન પેપર, એક્ઝામનું ટાઇમટેબલ, રિઝલ્ટની બધી જ માહિતી મળી શકશે. એ ઉપરાંત અન્ય કેટલીક માહિતી મળી શકશે. બોર્ડનું કહેવું છે કે તેઓ આગળ જતાં એમાં વધુ ફીચર્સ ઉમેરશે અને વધુ ને વધુ માહિતી આપવાનો પ્રયાસ કરશે.