છોકરીઓએ છોકરાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે કોંકણ વિભાગે ફરી એકવાર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લાનો ખિતાબ જીત્યો છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (Maharashtra SSC Result 2024)એ આજે 27 મે, SSC અથવા ધોરણ 10માનું પરિણામ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર બોર્ડની SSC પરીક્ષામાં કુલ 95.81 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરીઓએ છોકરાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે કોંકણ વિભાગે ફરી એકવાર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લાનો ખિતાબ જીત્યો છે. 10મા ધોરણની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે, પરિણામની લિંક બપોરે 1 વાગ્યાથી સક્રિય થઈ ગઈ છે. મહારાષ્ટ્ર એસએસસી પરીક્ષા 2024 (Maharashtra SSC Result 2024) માટે હાજર થયેલા વિદ્યાર્થીઓ તેમનો સીટ નંબર અને માતાનું નામ દાખલ કરીને સત્તાવાર વેબસાઇટ્સ mahresult.nic.in અને mahahsscboard.maharashtra.gov.in પર તેમના સ્કોર્સ ચકાસી શકે છે.
આ વર્ષે 1થી 26 માર્ચ દરમિયાન લેવાયેલી SSC પરીક્ષા (Maharashtra SSC Result 2024)માં લગભગ 15 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. MSBSHSE 10મી પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં અને એકંદરે ઓછામાં ઓછા 33 ટકા ગુણ મેળવવાની જરૂર પડશે.
ADVERTISEMENT
આ વર્ષે મહારાષ્ટ્ર બોર્ડના ધોરણ 10માનું પરિણામ કેવું રહ્યું? આ વર્ષે મહારાષ્ટ્ર બોર્ડ ધોરણ 10મા એકંદરે પાસની ટકાવારી 95.81% નોંધાઈ છે, જ્યાં છોકરીઓની પાસ ટકાવારી 97.21% અને છોકરાઓની પાસ ટકાવારી 94.56% છે. આ વર્ષે રાજ્યની 38 શાળામાંથી એકપણ વિદ્યાર્થીએ SSC પરીક્ષા પાસ કરી નથી, જ્યારે 9382 શાળાઓનું ધોરણ 10નું પરિણામ 100 ટકા નોંધાયું છે.
આ વર્ષે 5,58,021 વિદ્યાર્થીઓએ 75 ટકાથી વધુ માર્કસ મેળવ્યા છે એટલે કે તેમને ડિસ્ટિંક્શન મળ્યું છે. કોંકણ આ વર્ષના SSC પરિણામમાં 99.01% સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લો નોંધાયો છે. ગયા વર્ષે કોંકણમાં 98.11% નોંધાયું હતું. નાગપુરમાં સૌથી ઓછા 94.73% પાસ થયા છે. ગયા વર્ષે પણ નાગપુરમાં સૌથી ઓછી પાસ ટકાવારી નોંધાઈ હતી. SSC પરિણામ જાહેર કરતી વખતે, MSBSHSEએ જણાવ્યું કે ધોરણ 10ની અંતિમ પરીક્ષા દરમિયાન છેતરપિંડીનાં 145 કેસ અને ડમી વિદ્યાર્થીઓના બે કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્ર બોર્ડની અસલ માર્કશીટ કેવી રીતે મેળવવી?
મહારાષ્ટ્ર બોર્ડના 10મા ધોરણના વિદ્યાર્થીઓએ તેમની અસલ માર્કશીટ શાળામાંથી એકત્રિત કરવાની રહેશે. આ માર્કશીટનો ઉપયોગ 11મા ધોરણમાં પ્રવેશ માટે અને ભવિષ્યમાં ક્યારેય જરૂર પડે તો કરવાનો રહેશે. આજે એટલે કે પરિણામ જાહેર થવાના દિવસે વિદ્યાર્થીઓ માત્ર પ્રોવિઝનલ માર્કશીટ જ ડાઉનલોડ કરી શકશે. આ માર્કશીટ સંદર્ભ માટે છે. મહારાષ્ટ્ર બોર્ડના પરિણામની વેબસાઇટ ક્રેશ થવાના કિસ્સામાં, તમે તમારી પ્રોવિઝનલ માર્કશીટ ડિજિલૉકર પરથી ડાઉનલોડ કરી શકો છો.
ડિજિલૉકર પર મહારાષ્ટ્ર બોર્ડ 10માનું પરિણામ કેવી રીતે તપાસવું?
ડિજિલૉકર પરથી મહારાષ્ટ્ર બોર્ડનું 10મું પરિણામ 2024 જોવા માટે, વિદ્યાર્થીઓએ Google Play Store પરથી ડિજિલૉકર એપ ડાઉનલોડ કરવી પડશે. જો તમે ઇચ્છો તો, તમે ડિજિલૉકર વેબસાઇટ ડિજિલૉકર.gov.in પર મહારાષ્ટ્ર બોર્ડ SSC પરિણામ 2024 પણ જોઈ શકો છો. આ માટે તમારે તમારા મોબાઈલ નંબર, નામ, જન્મ તારીખ, ઈમેલ આઈડી અને આધાર નંબર દ્વારા લૉગિન કરવું પડશે. માર્કશીટ તમારા ડિજિલૉકર એકાઉન્ટમાં અપલોડ કરવામાં આવશે.