આ કિલ્લાઓનો સર્વાંગી વિકાસ કરવા માટે એ મહારાષ્ટ્રને સોંપવાની માગણી કરતો પત્ર રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલારે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતને લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું
કિલ્લો
ભારતમાં હિન્દવી સ્વરાજની સ્થાપના કરનારા છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં બાવન કિલ્લા છે જે કેન્દ્રના ભારતીય પુરાતત્ત્વ વિભાગ પાસે સંરક્ષિત છે. આ કિલ્લાઓનો સર્વાંગી વિકાસ કરવા માટે એ મહારાષ્ટ્રને સોંપવાની માગણી કરતો પત્ર રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલારે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતને લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આશિષ શેલારે લખેલા પત્રમાં જણાવ્યું છે કે ‘મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના ૧૧૬ કિલ્લા છે. એમાંથી બાવન કિલ્લા કેન્દ્રના ભારતીય પુરાતત્ત્વ વિભાગ પાસે છે. કિલ્લાનું સમારકામ કે એના વિકાસ માટે ભારતીય પુરાતત્ત્વ વિભાગની મંજૂરી મેળવવામાં ઘણી વાર મુશ્કેલી થાય છે. આ કિલ્લા રાજ્યને સોંપવામાં આવશે તો કામ સરળ થઈ જશે. બીજું, રાજ્ય સરકાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા ડેવલપ કરવા માટેની યોજના બનાવી છે એ અંતર્ગત કિલ્લાનો વિકાસ કરવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગડમાં હતી. આ કિલ્લો પણ કેન્દ્રના પુરાતત્ત્વ વિભાગ પાસે છે. આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજનો ઐતિહાસક વારસો છે જેનું જતન અને સંવર્ધન કરવાનું રાજ્યનું કર્તવ્ય છે. આથી એ રાજ્યને સોંપવામાં આવે.’

