શંકાસ્પદ ખોરાકી ઝેરને કારણે ત્રણ સગીર બહેનોનાં મૃત્યુ
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના સાતારા જિલ્લાના કરાડ તાલુકામાં ૩થી ૯ વર્ષની ૩ સગીર બહેનોનું શંકાસ્પદ ખોરાકી ઝેરને કારણે મૃત્યુ થયું હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
ત્રણેત્રણ સગીર બહેનોએ રવિવારે તેમનાં માતા-પિતા સાથે રાત્રિભોજન લીધા બાદ અચાનક ઊલટી કરવાની શરૂઆત કરી હતી. છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રણેય બહેનોનાં સ્થાનિક હૉસ્પિટલમાં મૃત્યુ થયાં હોવાનું કરાડ શહેર પોલીસે જણાવ્યું હતું.
ADVERTISEMENT
ત્રણેય બહેનોની સાથે જ હૉસ્પિટલમાં દાખલ કરાયેલાં તેમનાં માતા-પિતા હવે જોખમમુક્ત છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કરાડ તાલુકાના સૈદાપુર ગામમાં રહેતા આ પરિવારના સભ્યોએ રવિવારે રાત્રે બૈદાકરી અને બાસુંદી ખાધાં હતાં. તેઓ નજીકની એક દુકાનમાંથી બાસુંદી લાવ્યા હતા. જોકે રાતે સૂતા પછી અચાનક બધાને ઊલટી શરૂ થઈ હતી એમ કરાડ શહેર પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ ઇન્સ્પેક્ટર બી. આર. પાટીલે કહ્યું હતું.
સવારે તેઓએ ડૉક્ટરની મુલાકાત લીધી હતી. જોકે ત્રણ બહેનોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને મંગળવારે હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્રણેય બહેનો અનુક્રમે મંગળવાર, બુધવાર અને ગુરુવારે મૃત્યુ પામી હતી એમ પાટીલે વધુમાં ઉમેર્યું હતું.
પોલીસને બાસુંદીને લીધે ખોરાકી ઝેરની અસર થઈ હોવાની શંકા છે. મૃતકોની વિસેરા લૅબોરેટરીમાં મોકલવામાં આવી છે

