ગ્રામપંચાયતની ૬૦ ટકા બેઠકો મેળવી : શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કૉન્ગ્રેસનો રકાસ થયો
ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, અજિત પવાર
વિધાનસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં મહારાષ્ટ્રની જનતાએ બીજેપી-શિવસેનાની યુતિને સ્પષ્ટ બહુમતી આપી હતી. મુખ્ય પ્રધાનપદ મેળવવા માટે જોકે બાદમાં શિવસેનાએ યુતિ તોડી નાખી હતી અને ઉદ્ધવ ઠાકરેએ કૉન્ગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવીને મુખ્ય પ્રધાનપદ મેળવીને મહાવિકાસ આઘાડી સરકારની સ્થાપના કરી હતી. ૧૦૫ વિધાનસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી હોવા છતાં બીજેપીએ સત્તાથી દૂર રહેવું પડ્યું હતું. શરદ પવારે સત્તા મેળવવા માટે પરસ્પર વિચારધારા ધરાવતી કૉન્ગ્રેસ અને શિવસેનાને સાથે લીધી હતી. રાજ્ય બીજેપીના સર્વોચ્ચ નેતા અને જેમના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મળી હતી એ દેવેન્દ્ર ફડણવીસે મોં પાસે આવેલો સત્તાનો કોળિયો છીનવાઈ જવાથી હું ફરી આવીશ એમ કહ્યું હતું. બાદમાં દેવેન્દ્ર ફડણવીસે શિવસેનામાં ભાગલા કરાવીને સત્તા મેળવી હતી. એકનાથ શિંદે મરાઠા છે, પણ તેમની ગ્રામીણ વિસ્તારમાં પકડ ઓછી છે એટલે દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને સરકારમાં સામેલ કર્યા હતા. ગઈ કાલે રાજ્યની ૨૩૫૯ ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામોમાં દેવેન્દ્ર ફડણવીસના અજિત પવારને સાથે લેવાના નિર્ણયના પડઘા પડ્યા હતા. ગ્રામપંચાયતની ૬૦ ટકા જેટલી બેઠકો મહાયુતિએ કબજે કરી છે.
શરદ પવારના નેતૃત્વમાં ગઠિત કરવામાં આવેલી મહાવિકાસ આઘાડીને બીજેપી અને એકનાથ શિંદે જૂથ જોઈએ એવી ટક્કર નહોતાં આપી શક્યાં. ગયા વર્ષે યોજાયેલી જિલ્લા પરિષદ અને ગ્રામપંચાયતમાં સત્તામાં હોવા છતાં બીજેપી અને એકનાથ શિંદે ધાર્યું પરિણામ નહોતું મેળવી શક્યા.
ADVERTISEMENT
મુંબઈમાં બીજેપી અને થાણેમાં એકનાથ શિંદેની સ્થિતિ સારી છે, પણ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સત્તામાં હોવા છતાં શરદ પવાર, કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથ સામે ટકવામાં મુશ્કેલી થઈ રહી હોવાનું દેવેન્દ્ર ફડણવીસ જાણતા હતા. આથી તેમણે એનસીપીમાં ભાગલા પડાવીને અજિત પવારને સત્તામાં સામેલ કર્યા હતા.
અજિત પવાર સરકારમાં સામેલ થયા બાદ મુંબઈ, થાણે અને રાજ્યના ગ્રામીણ ભાગને વહેંચી લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. બીજેપી મુંબઈ, એકનાથ શિંદે થાણે અને આસપાસના જિલ્લા અને અજિત પવાર ગ્રામીણ વિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરે એવી વ્યૂહરચના ઘડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી સાથે રાજ્યભરમાં અનશન કરવાની સાથે હિંસક ઘટનાઓ થઈ હતી. મરાઠા સમાજે નેતાઓની ગામબંધી કરી હતી. આથી લાગતું હતું કે સત્તાધારી પક્ષને ગ્રામપંચાયતની ચૂંટણીમાં પરસેવો પાડ્યા બાદ પણ ધાર્યું પરિણામ નહીં મળે. જોકે ગઈ કાલે જાહેર થયેલાં ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામોમાં ૬૦ ટકા જેટલી બેઠકો મહાયુતિને મળી છે.
અજિત પવારે શરદ પવારનો સાથ છોડ્યા પછી પહેલી ચૂંટણી હતી, જેમાં તેમણે કાકાને ધોબીપછાડ આપી છે. સુપ્રિયા સુળેના સંસદીય ક્ષેત્રમાં અજિત પવારે ૩૦ ગ્રામપંચાયતમાંથી ૨૮માં કબજો જમાવીને પોતાનું વર્ચસ સિદ્ધ કર્યું છે. અહીં બીજેપીએ પણ પહેલી વખત બે બેઠક મેળવી છે. આ રિઝલ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે શરદ પવારે ભલે પુત્રી સુપ્રિયા સુળેને પોતાની ઉત્તરાધિકારી બનાવી છે, પણ પક્ષ પર પકડ અજિત પવારની જ છે.
બીજેપી અને અજિત પવાર જૂથ સાથે આવવાથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તાકાત પણ વધી છે. તેમણે ઉદ્ધવ ઠાકરેને ક્યાંય પાછળ છોડી દીધા છે. એકનાથ શિંદે જૂથે ૨૬૩ તો ઉદ્ધવ ઠાકરે જૂથે ૧૧૫ ગ્રામપંચાયત મેળવી છે.
બીજેપીના વિધાન પરિષદના સભ્ય પ્રવીણ દરેકરે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સતત રાજ્યના વિકાસની વાત કરી રહ્યા છે, જ્યારે વિરોધીઓ માત્ર ટીકા જ કરી રહ્યા છે. મહાયુતિમાં એકલી બીજેપીએ ૭૨૫ ગ્રામપંચાયતમાં વિજય મેળવ્યો છે. બીજેપી માત્ર શહેરની પાર્ટી જ નથી. એ ગ્રામીણ ક્ષેત્રોમાં પણ લોકપ્રિય બની રહી છે એ જણાઈ આવ્યું છે.’
કોને કેટલી બેઠક? |
|
બીજેપી |
૭૨૪ |
અજિત પવાર |
૪૧૨ |
એકનાથ શિંદે |
૨૬૩ |
કૉન્ગ્રેસ |
૨૨૨ |
શરદ પવાર |
૧૮૭ |
ઉદ્ધવ ઠાકરે |
૧૧૫ |
(નોંધઃ ગઈ કાલે મોડી રાત સુધી ૨૩૫૯માંથી ૨૨૮૬ ગ્રામપંચાયતનાં પરિણામો જાહેર થયાં હતાં) |

