૨૦૨૪-’૨૫ના પહેલા નવ મહિનામાં FDI મેળવવામાં મહારાષ્ટ્ર આખા દેશમાં મોખરે : આજના બજેટ પહેલાં ગઈ કાલે રજૂ કરવામાં આવેલા ઇકૉનૉમિક સર્વેમાં અનુમાન
અજિત પવાર
મહારાષ્ટ્રના ફાઇનૅન્સ મિનિસ્ટર અજિત પવારે આજે બજેટ રજૂ કરવા પહેલાં ગઈ કાલે ઇકૉનૉમિક સર્વે રજૂ કર્યો હતો જેમાં ૨૦૨૪-’૨૫માં રાજ્યની ઇકૉનૉમી ૭.૩ ટકાના દરે ગ્રો કરશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યનો ૭.૩ ટકાનો ગ્રોથ દેશના ૬.૫ ટકાના વિકાસદર કરતાં વધારે છે.
ફાઇનૅન્શિયલ વર્ષ ૨૦૨૪-’૨૫માં ઍગ્રિકલ્ચર અને એને સંલગ્ન ક્ષેત્ર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર અનુક્રમે ૮.૭, ૪.૯ અને ૭.૮ ટકાના દરે વિકાસ કરે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ સિવાય મહારાષ્ટ્રમાં છેલ્લાં દસ વર્ષ દરમ્યાન એક વર્ષમાં જેટલું ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) આવ્યું છે એટલું આ વર્ષના પહેલા નવ મહિનામાં જ મળી ગયું છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા ડિસેમ્બર ૨૦૨૪ના બહાર પાડવામાં આવેલા આંકડાને આધારે આ કહ્યું હતું. આખા દેશમાં FDI મેળવવામાં મહારાષ્ટ્ર અત્યારે પહેલા નંબરે છે. મહારાષ્ટ્રને ૨૦૨૪-’૨૫ના પહેલા નવ મહિનામાં ૧,૩૯,૪૩૪ કરોડ રૂપિયાનું FDI મળ્યું છે.

