Maharashtra Road Accident: ઘટનાસ્થળે જ છ લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. એક વ્યક્તિએ ગંભીર ઇજાઓ થવાને કારણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો
- જોરદાર ટક્કર બાદ વાહનોમાં બેઠેલા પ્રવાસીઓ કૂદીને બહાર રોડ પર ફેંકાયા હતા
- ત્રણ ઇજાગ્રસ્તોને અહીં સારવાર આપવામાં આવી રહી છે
શુક્રવારની મોડી રાત્રે મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત (Maharashtra Road Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં બે કાર વચ્ચે ટક્કર થવાને કારણે સાત જેટલા લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ સાથે જ અન્ય ત્રણ પ્રવાસીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
છ લોકોએ તો ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો
આ અકસ્માત (Maharashtra Road Accident) એટલો કરપીણ હતો કે ઘટનાસ્થળે જ છ લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન બાદમાં તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું.
ADVERTISEMENT
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. કડવાંચી ગામ પાસે બનેલા આ અકસ્માતમાં જે પીડિતોએ જીવ ગુમાવ્યો છે તેઓ મુંબઈનાં મલાડ (પૂર્વ)ના તેમ જ બુલઢાણાનાં વતની હતા.
કારની ટક્કર એવી જોરદાર હતી કે...
બંને વાહનો વચ્ચેની ટક્કર (Maharashtra Road Accident) એટલી જોરદાર હતી કે એર્ટીગા હવામાં ઉછળીને હાઇવે પરના બેરિકેડ પર જઈને પડી હતી. આ પરથી આ અકસ્માતની ગંભીરતાનું અનુમાન લગાવી શકાય છે. જોરદાર ટક્કર બાદ વાહનોમાં બેઠેલા પ્રવાસીઓ કૂદીને બહાર રોડ પર ફેંકાયા હતા. વાહન પણ આ અકસ્માતમાં સંપૂર્ણ રીતે નાશ પામ્યું હોવાના અહેવાલ છે.
એક પોલીસ અધિકારીએ આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે "નાગપુરથી મુંબઈ જઈ રહેલ એક મલ્ટી-યુટિલિટી વ્હીકલ (MUV) અને વિરુદ્ધ દિશામાં જઈ રહેલી કાર સામસામે ટક્કર થઈ હતી. આ ગંભીર અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો”
સ્થાનિકો દોડી આવ્યા હતા
જ્યારે આ અકસ્માત (Maharashtra Road Accident) બન્યો ત્યારે સ્થાનિક ગ્રામજનો પોલીસ સાથે જ ઘટના સ્થળે પહોંચી ગયાં હતા અને તેઓએ વાહનોના જે ટુકડે ટૂકડાં થયા હતા તેનાં નીચે દટાઈ ગયેલા લોકોને બચાવવા માટે કામગીરી શરૂ કરી દીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્રણ ઇજાગ્રસ્તોને અહીં સારવાર આપવામાં આવી રહી છે.
તમને જણાવી ડી કે સમૃદ્ધિ હાઈવે મુંબઈ અને નાગપુરને જોડતો 701 કિલોમીટરનો છ લેનનો એક્સપ્રેસવે છે. નાગપુરથી શિરડીને જોડતા હાઇવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ડિસેમ્બર 2022માં કરવામાં આવ્યું હતું. આ સાથે જ મે મહિનામાં મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ખાનગી બસ અને રાજ્ય પરિવહનની બસ વચ્ચેની જે ટક્કર થઈ હતી તેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા.