શરદ પવાર કહે છે કે મેં અગાઉ પણ આવી મુશ્કેલીનો સામનો કર્યો હતો અને મારી પાર્ટીને નવું જીવન આપ્યું હતું
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની ઑફિસમાં પત્રકારોની સંબોધી રહેલા જિતેન્દ્ર આવ્હાડ (તસવીર : શાદાબ ખાન)
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીમાં બળવો કરીને અજિત પવાર સહિતના ૨૯ વિધાનસભ્યોએ પાર્ટી છોડીને ગઈ કાલે મહારાષ્ટ્રની એકનાથ શિંદેની આગેવાની સરકારમાં જોડાઈ ગયા પછી અજિત પવારે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ તેમની પાર્ટી છે અને પાર્ટીના ચિહન ઘડિયાળ પર તેમનો દાવો કર્યો હતો.
અજિત પવારના આ દાવાના અનુસંધાનમાં શરદ પવારે કહ્યું હતું કે ‘જો કોઈ એનસીપી પર માલિકીનો દાવો કરતું હોય તો એમાં કોઈ સમસ્યા નથી. અમે લોકો પાસે જઈશું અને તેમનો ટેકો માગીશું. મને વિશ્વાસ છે કે તેઓ અમને સમર્થન આપશે. આવતી કાલે હું મારા ગુરુ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર યશવંતરાવ ચવાણના આશીર્વાદ લઈશ અને જાહેર સભાની શરૂઆત કરીશ.’
ADVERTISEMENT
હું આજની ઘટનાથી સહેજ પણ ચિંતિત નથી એમ જણાવતાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સુપ્રીમો શરદ પવારે સ્પષ્ટ કર્યું હતું કે ‘હું આ મુદ્દે કોઈ પણ વિવાદ કર્યા વગર જનતાની સામે જઈને જનતાને સાથે રાખીને નવા સંગઠનની રચના કરવાની તૈયારી કરીશ. આ પહેલાં ૧૯૮૦માં પણ ઘણા સાથીદારો પાર્ટી છોડીને જતા રહ્યા હતા. આમ છતાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ મજબૂત બનીને જનતાનાં કાર્યો કરતી રહી છે.’ જોકે તેમણે મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાનપદે બેસનારા નવ નેતાઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
એનસીપીના વડા શરદ પવારે મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે ‘મારા કેટલાક સાથીઓએ અલગ વલણ અપનાવ્યું છે. મેં ૬ જુલાઈએ તમામ નેતાઓની એક બેઠક બોલાવી હતી જેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી અને કેટલાક ફેરફારો થવાના હતા, પરંતુ એ બેઠક પહેલાં કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું હતું.’
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના ૮૩ વર્ષના વડા શરદ પવારે અજિત પવાર અને તેમના બળવાનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે ‘પાર્ટી અજિત પવારની કાર્યવાહીને સમર્થન આપતી નથી અને એ તેમનો વ્યક્તિગત નિર્ણય હતો. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પક્ષનું પુનરુત્થાન કરવાના અને સંયુક્ત વિપક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાના સંકલ્પ પર મજબૂત ઊભા રહીને આજે જે બન્યું એ ઘણા લોકો માટે આશ્ચર્યજનક હોઈ શકે છે, પરંતુ મારા માટે એવું નથી કારણ કે મેં એક મુશ્કેલીનો સામનો કર્યો હતો. આવી જ સ્થિતિ ૧૯૮૦માં થઈ હતી. ત્યારે હું જે પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યો હતો એના તમામ નેતાઓ પાર્ટી છોડીને જતા રહ્યા હતા. આ સંજોગોમાં પણ મેં પાર્ટીને સજીવન કરી હતી.’
પ્રમુખ હોવાના નાતે મેં પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેની નિમણૂક કરી હતી, પરંતુ તેમણે તેમની જવાબદારીઓનું પાલન કર્યું નહોતું એમ જણાવીને શરદ પવારે કહ્યું હતું કે મારે તેમની સામે કેટલીક કાર્યવાહી કરવી પડશે.
પ્રફુલ્લ પટેલ પહેલાં અજિત પવારના શપથગ્રહણ વખતે અને એ પછી તેમની પ્રેસ-કૉન્ફરન્સમાં પણ હાજર રહ્યા હતા.
હજી શરદ પવારના પગલાની રાહ જુઓ : જિતેન્દ્ર આવ્હાડ, વિરોધ પક્ષના નવા નિમાયેલા નેતા
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના સુપ્રીમો વિધાનસભ્યોને ફોન કરવાની શરૂઆત કરશે ત્યારે વિધાનસભ્યોની સંખ્યા સ્પષ્ટ થશે. ઘણા વિધાનસભ્યોના પરિવારોએ પાર્ટીના નેતાઓને આજે જે ઘટના બની એનો વિરોધ કરવા માટે બોલાવ્યા છે. ગઈ કાલ સુધી જે લોકો મહાવિકાસ આઘાડીના સંચાલનમાં અજિત પવારની ભૂમિકાની નિયમિત ટીકા કરી રહ્યા હતા તેઓ જ હવે તેમની સાથે હાથ મિલાવી રહ્યા છે. ઈડી અને સીબીઆઇના ડરથી બધા પાર્ટી છોડીને જઈ રહ્યા છે. તેમણે ભૂલવું ન જોઈએ કે તેઓ શરદ પવારને લીધે જ પ્રધાનપદ સુધી પહોંચ્યા હતા.
એકનાથ શિંદે તેમનું પદ ગુમાવશે : સંજય રાઉત, શિવસેનાના નેતા
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ મહારાષ્ટ્ર સરકાર સાથે જોડાઈ જવાથી એકનાથ શિંદેએ તેમની ચીફ મિનિસ્ટરની પદવી ગુમાવવી પડશે. આ તો શરૂઆત છે. થોડા સમયમાં મહારાષ્ટ્રને એકનાથ શિંદેની જગ્યાએ નવા ચીફ મિનિસ્ટર જોવા મળશે. ગઈ કાલે શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અજિત પવારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના શપથ લીધા અને અન્યોએ પ્રધાનપદ માટેના શપથ લીધા એ જ દર્શાવે છે કે એકનાથ શિંદે હવે ચીફ મિનિસ્ટરનું પદ ગુમાવશે. ટૂંક સમયમાં એકનાથ શિંદેના વિધાનસભ્યો વિધાનસભામાંથી ડિસક્વૉલિફાઇડ થઈ જશે. આથી સત્તા પર રહેવા માટે અજિત પવાર આ સરકારમાં જોડાયા છે. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ સરકારમાં જોડાવાથી અને પાર્ટીમાં બળવો કરવાથી કોઈ રાજકીય ભૂકંપ આવ્યો નથી. આ ટ્રિપલ એન્જિન સરકાર નથી. આમાંથી બે એન્જિન ગમે ત્યારે ફેલ થઈ જશે. શરદ પવારને આખા ઘટનાક્રમની પહેલેથી જ જાણ હતી. હંમેશાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતાઓને ભ્રષ્ટાચારી કહેતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે શું જવાબ આપશે?
ઍક્શન લેવાનો નિર્ણય કાયદાકીય સલાહ લઈને લેવાશે : જયંત પાટીલ, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા
અમારી સાથે મોટી સંખ્યા આવી ગઈ છે એટલે હવે રાજ્ય તમારી મરજી પ્રમાણે નહીં પણ અમારી મરજી પ્રમાણે ચાલશે એવું ગઈ કાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસને સાથે લઈને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ સિદ્ધ કર્યું હતું. વચલા સમયમાં એકનાથ શિંદે પ્રચંડ જોરમાં ચાલ્યા હતા. તેઓ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતા અને કોઈની અપૉઇન્ટમેન્ટ માન્ય કરતા નહોતા એથી તેમની સામે ઘણાની ફરિયાદ હતી. એટલે તેમના પર્યાયના નિર્માણ માટે આ પગલું લેવાયું હોય એવું લાગે છે. શિવસેના છોડતી વખતે અનેક વિધાનસભ્યોએ કહ્યું હતું કે તેઓ અજિત પવારની દાદાગીરીથી ત્રાસીને શિવસેના છોડી રહ્યા છે. અમારા પર રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે અન્યાય કર્યો છે આથી અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છીએ. હવે એકનાથ શિંદેને પાછા ફરવાનો મોકો મળ્યો છે. રાષ્ટ્રવાદીના જે નેતાઓ છોડીને ગયા છે તેમની સામે શું એક્શન લેવી એની કાયદાકીય સલાહ લઈને નિર્ણય લેવામાં આવશે.
મહારાષ્ટ્રના રાજકારણનો કાદવ : રાજ ઠાકરે, એમએનએસ ચીફ
એનસીપીના ચીફ શરદ પવાર ઉદ્ધવબોજમાંથી મુક્તિ મેળવવા માગે છે. આજે દેશની સામે જે ઊભું છે એ છે મહારાષ્ટ્રના રાજકારણનો કાદવ.